પરિણામ બાંગ્લાદેશ ટીમની તરફેણમાં ન આવ્યું તો બાંગ્લાદેશી ચાહકો ગુસ્સે થઈ ગયા અને તેમના પર પથ્થરો અને બોટલો ફેંકવા લાગ્યા
ઢાકા
ભારતને ગુરુવારે યજમાન બાંગ્લાદેશ સાથે સાફ મહિલા અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપનું સંયુક્ત વિજેતા જાહેર કરાયું. નિર્ધારિત 90 મિનિટની રમત બાદ મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. ત્યારપછી પેનલ્ટી શૂટઆઉટ પણ ડ્રો રહ્યો. જોકે આ મેચ વિવાદાસ્પદ રહી હતી. ચાલો જાણીએ શું હતો મામલો?
પછીથી ટોસના આધારે બાંગ્લાદેશને લાગ્યું કે તેઓ મેચ જીતી ગયા છે. પરંતુ આ પછી બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી. જ્યારે પરિણામ બાંગ્લાદેશ ટીમની તરફેણમાં ન આવ્યું તો બાંગ્લાદેશી ચાહકો ગુસ્સે થઈ ગયા અને તેમના પર પથ્થરો અને બોટલો ફેંકવા લાગ્યા હતા.
મેચ અધિકારીઓએ સિક્કો ઉછાળીને ભારતને ટૂર્નામેન્ટ વિજેતા જાહેર કરતાની સાથે જ બાંગ્લાદેશી ચાહકોએ મેદાન પર પથ્થરો અને બોટલો ફેંકવાનું શરૂ કરી દીધું હતું. ત્યારપછી આ પરિણામ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું અને બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી. નિર્ધારિત 90 મિનિટની રમત બાદ બંને ટીમો વચ્ચેની રમત 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. આ પછી, પેનલ્ટી શૂટઆઉટ થયું, તે પણ ટાઈ રહ્યું અને ગોલકીપર્સ સહિત બંને ટીમના તમામ 11 ખેલાડીઓએ તેમની પેનલ્ટી કિકને ગોલમાં ફેરવી હતી.
સ્કોરલાઈન 11-11 સુધી પહોંચ્યા બાદ રેફરી પેનલ્ટી શૂટઆઉટ ચાલુ રાખવાના હતા પરંતુ પછી તેમને અટકાવી દેવાયા. તેમણે બંને પક્ષના કેપ્ટનોને બોલાવ્યા અને ટોસ ઉછાળ્યો. ભારત ટોસ જીતવામાં સફળ રહ્યું અને જશ્ન મનાવવાનું શરૂ કર્યું. બાંગ્લાદેશીઓએ આનો વિરોધ કર્યો અને તેમના ખેલાડીઓએ લાંબા સમય સુધી રમતનું મેદાન છોડવાની ના પાડી. ત્યારબાદ ચારેકોર અરાજકતાનો માહોલ સર્જાયો. મોટી ભીડ મેદાનમાં બોટલો ફેંકવા અને સૂત્રોચ્ચાર કરવા લાગી.