મંત્રીમંડળ સમિતિ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે
નવી દિલ્હી
આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ રેલવે મંત્રાલયના છ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેની અંદાજિત કિંમત અંદાજે 12,343 કરોડ રૂપિયા છે. કેન્દ્ર સરકારે ગુરુવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
મંત્રીમંડળ સમિતિ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવામાં આવેલા વિવિધ નિર્ણયોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે અને વ્યસ્ત માર્ગો પર ભીડ ઘટશે. આ પ્રોજેક્ટ્સ વાણિજ્ય તેમજ કનેક્ટિવિટીમાં સુધારો કરશે.’
કેન્દ્ર સરકારે ‘ફિશરીઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ’ (એફઆઈડીએફ) ને નાણાકીય વર્ષ 2025-26 સુધી લંબાવવાનું નક્કી કર્યું છે, જેમાં 7,522.48 કરોડ રૂપિયાના પહેલાથી જ મંજૂર ફંડ અને 939.48 કરોડ રૂપિયાનું બજેટ સમર્થન છે.
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે ‘એક્સ’ પર પોસ્ટ કરીને લખ્યું કે, “રાજસ્થાન, આસામ, તેલંગાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ અને નાગાલેન્ડમાં રૂ. 12,343 કરોડના છ ‘મલ્ટી ટ્રેક’ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર.”
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ્સ કામગીરીને સરળ બનાવશે અને ભીડ ઓછી કરશે. આ ઉપરાંત ભારતીય રેલ્વેના સૌથી વ્યસ્ત વિભાગો પર જરૂરી માળખાકીય વિકાસ થશે.
વધુમાં જણાવાયું છે કે, “આ પ્રોજેક્ટ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘નવા ભારત’ના વિઝનને અનુરૂપ છે જે વિસ્તારના વ્યાપક વિકાસ દ્વારા સ્થાનિક લોકોને આત્મનિર્ભર બનાવશે અને તેના કારણે તેમની રોજગાર/સ્વ-રોજગારની તકોમાં વધારો થશે.”
રાજ્યોના 18 જિલ્લાઓને આવરી લેતા આ પ્રોજેક્ટ્સ ભારતીય રેલ્વેના વર્તમાન નેટવર્કમાં 1,020 કિમીનો વધારો કરશે.