યાત્રા હવે તે 10 થી 14 માર્ચની વચ્ચે સમાપ્ત થઇ શકે છે એટલે કે તેના નક્કી કાર્યક્રમથી 8થી 10 દિવસ પહેલાં
નવી દિલ્હી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા તેના નિર્ધારિત સમય પહેલા જ સમાપ્ત થઈ શકે છે. અહેવાલ અનુસાર રાહુલ ઉત્તરપ્રદેશમાં તેમની યાત્રાનો સમય ઘટાડશે. તેઓ યુપીના ઘણા ક્ષેત્રોને આ યાત્રાથી બાકાત રાખી શકે છે. જેમાં મોટાભાગે પશ્ચિમ ઉત્તરપ્રદેશના જિલ્લાઓને પડતા મૂકવામાં આવી શકે છે. અગાઉના કાર્યક્રમ મુજબ, રાહુલ ગાંધીની આ યાત્રા 20 માર્ચે મુંબઈમાં પૂરી થવાની હતી પરંતુ હવે તે 10 થી 14 માર્ચની વચ્ચે સમાપ્ત થઇ શકે છે એટલે કે તેના નક્કી કાર્યક્રમથી 8થી 10 દિવસ પહેલાં.
અત્યાર સુધી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન અનેક વિસ્તારોને બાકાત રાખી શકે છે. પાર્ટીના આંતરિક સૂત્રોનું પણ કહેવું છે કે યાત્રા નિર્ધારિત સમય કરતાં ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા સમાપ્ત થશે. હવે આ યાત્રા લખનઉથી અલીગઢ અને પછી આગ્રા જશે. જેમાં પશ્ચિમ યુપીના કેટલાક જિલ્લાઓને છોડી દેવાશે. ત્યારબાદ ભારત જોડો ન્યાય યાત્રા મધ્યપ્રદેશ તરફ રવાના થઇ જશે.
ખાસ વાત એ છે કે ઈન્ડિયા ગઠબંધનના ભાગીદાર રાષ્ટ્રીય લોકદળ એટલે કે જયંત ચૌધરીની આરએલડી પશ્ચિમ યુપીમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. એવા અહેવાલો છે કે આરએલડી હવે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) નો ભાગ બની શકે છે. હાલમાં આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. આ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ વિપક્ષી ગઠબંધન છોડીને એનડીએમાં જોડાયા હતા. જો કે કોંગ્રેસના સૂત્રોને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે યુપીમાં યાત્રા ઘટાડવાનું કારણ આરએલડી સાથે સંબંધિત રાજકીય ઘટનાક્રમ નથી. એક નેતાએ કહ્યું, ‘અમે યાત્રાને ધીમી કરવા માંગીએ છીએ જેથી રાહુલ ગાંધીને રસ્તામાં જૂથો સાથે વાતચીત કરવાની તક મળે.’ આ સિવાય એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, જેમણે અત્યાર સુધી યાત્રામાં ભાગ લીધો નથી તેઓ પણ યુપી તબક્કા દરમિયાન યાત્રામાં સામેલ થઈ શકે છે. હાલમાં આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.