આ મામલામાં પોલીસે 34 વર્ષના વિલિયમ મૂરે નામના એક અમેરિકન યુવકની ધરપકડ કરી
અલાબામા
અમેરિકામાં વધુ એક ગુજરાતીની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. અલાબામા સ્ટેટના શેફિલ્ડ શહેરમાં પોતાની મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલને 08 ફેબ્રુઆરી 2024ના દિવસે તેમની જ મોટેલમાં ગોળી મારવામાં આવી હતી.
આ મામલામાં પોલીસે 34 વર્ષના વિલિયમ મૂરે નામના એક અમેરિકન યુવકની ધરપકડ કરી છે.
શેફિલ્ડ પોલીસના જણાવ્યા અનુસાર, પ્રવીણ પટેલ હિલક્રેસ્ટ મોટેલના માલિક હતા, જેમના પર વિલિયમ મૂરે સવારે ગોળી ચલાવી હતી. પ્રવીણ પટેલને ગોળી માર્યા બાદ ઘટનાસ્થળ પરથી ભાગી ગયેલા હત્યારાને પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી લીધો હતો.
લોકલ મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, વિલિયમ મૂરે પ્રવીણ પટેલની મોટેલમાં રૂમ લેવા માટે આવ્યો હતો, અને તે વખતે જ બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. પોલીસે હત્યારાને શોધવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લઈને વાહનોની અવરજવર પણ થોડા સમય માટે બંધ કરાવી દીધી હતી, તેમજ સ્કૂલોમાંથી પણ તમામ પ્રકારની આવનજાવન અટકાવાઈ હતી.
જોકે, હત્યારો પકડાઈ ગયા બાદ પોલીસે લોકડાઉન ઉઠાવી લીધું હતું. આ ઘટના સવારે નવ વાગ્યાની આસપાસ બની હતી, અને એકાદ કલાકમાં જ પોલીસે હત્યારાને પકડી લીધો હતો. તેની પાસેથી પ્રવીણ પટેલ પર જેનાથી ગોળી ચલાવાઈ હતી તે હથિયાર પણ મળી આવ્યું હતું.