પશ્ચિમી વિક્ષેપને કારણે 17 અને 18 ફેબ્રુઆરીએ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયા વરસાદ અથવા હિમવર્ષાની શક્યતા
નવી દિલ્હી
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે જેમાં 13-15 ફેબ્રુઆરી દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓડિશામાં 14 અને 15 ફેબ્રુઆરીએ, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશમાં 13-15 ફેબ્રુઆરીએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આજે પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તરાખંડમાં કરા પડવાની શક્યતા છે. બીજી તરફ આજે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ મુજબ પશ્ચિમી વિક્ષેપને કારણે, 17 અને 18 ફેબ્રુઆરીએ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયા વરસાદ અથવા હિમવર્ષાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશના વિવિધ ક્ષેત્રોમાં ઠંડીનું જોર યથાવત છે. જ્યારે, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા, ઓડિશા અને છત્તીસગઢમાં જુદા જુદા સ્થળોએ કરા પડ્યા હતા. આ ઉપરાંત પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને મરાઠવાડા, તેલંગાણા, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થયો છે. ઉત્તરીય મેદાનોના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 7થી 12 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે. ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં આ તાપમાન સામાન્ય કરતાં 2-4 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.