દેશમાં મોટી મૂડીવાદી કંપનીઓએ એક રાજકીય પક્ષ બનાવી લીધોઃ રાકેશ ટિકૈત

સરકારે અમારી સાથે બેસીને વાતચીત કરવી જોઈએ અને ખેડૂતોને સન્માન આપવું જોઈએ, સરકારે આ મુદ્દે વિચારવું જોઈએ અને પ્રયાસ કરવો જોઈએઃ ખેડૂત નેતા


નવી દિલ્હી
દિલ્હીમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતો દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પોલીસ પણ ટીયર ગેસના સેલ છોડી તેમને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ તમામ ઘટનાઓ વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકેતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધી મોટી પ્રતિક્રિયા આપી છે.
ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યું કે, ‘દેશમાં મોટી મૂડીવાદી કંપનીઓ છે… તેમણે એક રાજકીય પક્ષ બનાવી લીધો છે અને આ દેશ પર કબજો કરી લીધો છે. આવી સ્થિતિમાં સમસ્યાઓ આવશે જ… જો તેમની (ખેડૂતો) સાથે કોઈ અન્યાય થશે, સરકાર તેમના માટે કોઈ સમસ્યા ઊભી કરશે તો ખેડૂતો પણ આપણાથી દૂર નથી અને દિલ્હી આપણાથી દૂર નથી.’
તેમણે કહ્યું કે, ‘જ્યારે દિલ્હીમાં 13 મહિના સુધી ખેડૂત આંદોલન ચાલ્યું હતું, ત્યારે અમારી અને સરકાર વચ્ચે 12 વખત વાતચીત થઈ હતી. ત્યારબાદ 22 જાન્યુઆરી-2021 બાદ ભારત સરકાર સાથે અમારી કોઈ વાતચીત થઈ નથી. હવે ત્રણ વર્ષ બાદ આ વાતચીત શરૂ થઈ છે. દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સરકારે અમારી સાથે બેસીને વાતચીત કરવી જોઈએ અને ખેડૂતોને સન્માન આપવું જોઈએ. સરકારે આ મુદ્દે વિચારવું જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ. ઉપરાંત તેનું નિરાકરણ લાવવું જોઈએ.’
ખેડૂત આંદોલન મુદ્દે કોંગ્રેસે પણ મોદી સરકાર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, ‘જે સરકાર એમ.એસ.સ્વામીનાથન અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપે છે, તે જ સરકાર ખેડૂતો સાથે અન્યાય કરે છે. ખેડૂત સંગઠનોની ત્રણ-ચાર મુખ્ય માંગણીઓ છે. તેમની સૌથી મોટી માંગ છે – સ્વામીનાથન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે અને બીજી માંગ – એમએસપી કાયદો… તેમણે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, MSP ‘ન્યૂનતમ ટેકાના ભાવ’ છે, ‘મોદી વેચાણ કિંમત’ નહીં’
ઉલ્લેખનિય છે કે, ખેડૂત સંગઠનોએ આજથી ખેડૂત આંદોલનની જાહેરાત કરી હતી. ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. હરિયાણા અને પંજાબ વચ્ચે શંભુ બોર્ડરથી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે ખેડૂતોને અટકાવવા પોલીસ ટીયર ગેસ સહિતના તમામ પ્રયાસો કરી રહી છે. દિલ્હીમાં ઘૂસવા પર અડગ રહેતા ખેડૂતો ટ્રેક્ટર વડે સિમેન્ટ બેરિકેડ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હીની આસપાસની સરહદો સીલ કરી દેવામાં આવી છે. સિંઘુ બોર્ડર પરનો ફ્લાયઓવર પણ સીલ કરી દેવામાં આવ્યો છે. મશીનની મદદથી સિમેન્ટ બેરીકેટ્સ લગાવવામાં આવ્યા છે. અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આરએએફ તહેનાત કરવામાં આવી છે.

Total Visiters :93 Total: 1488452

By Admin

Leave a Reply