મયંક નાયક મેરી માટી મેરા દેશ અભિયાનના ઈન્ચાર્જ હતા, જશવંતસિંહ પરમાર ગોધરા શહેરના જાણીતા ડોક્ટર છે
નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર એક પછી એક સરપ્રાઈઝ આપી રહી છે. ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકો માટે તેણે ચોંકાવનારા ઉમેદવારોના નામ જાહેર કર્યા. જેમાં જેમાં જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા અને ડૉ. જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ આ ઉમેદવારો વિશે થોડીક જાણવા જેવી વિગતો
ગોવિંદભાઈની વાત કરીએ તો તેઓ લેઉઆ પટેલ સમાજના એક અગ્રણી નેતા છે. તેઓ સુરતના જાણીતા હીરા વેપારી અને ઉદ્યોગપતિ પણ છે. આ વખતે તેમને રાજ્યસભાની ટિકિટ આપવાનો મોદી સરકાર અને ભાજપનો નિર્ણય ખરેખર ચોંકાવનારો છે. ગોવિંદભાઈનો જન્મ 7 નવેમ્બર 1947ના રોજ થયો હતો. હાલમાં તેમની નેટવર્થ 4800 કરોડની આજુબાજુ છે. 1964માં સુરતથી કારકિર્દી શરૂ કરનારા ગોવિંદભાઈએ શરૂઆતમાં હીરા કટિંગ અને પોલિશિંગમાં હાથ અજમાવ્યો હતો અને ધીમે ધીમે સફળતા શિખર સર કર્યા. હીરાના વેપારમાં ઝંપલાવ્યા બાદ તેઓ સતત આગળ વધતાં રહ્યા છે.
ભાજપે રાજ્યસભા માટે બીજું નામ મયંક નાયકનું જાહેર કર્યું જે ખરેખર ચર્ચાનો વિષય છે. મયંક નાયક બક્ષી મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાત ના અગ્રણી નેતા છે. તેઓ મેરી માટી મેરા દેશ જેવા જાણીતા અભિયાનના ઈન્ચાર્જ પણ રહી ચૂક્યા છે. તેમણે મંડળ સ્તરેથી પ્રદેશ સ્તર સુધી પક્ષમાં એવી કામગીરી કરી કે તેઓ મહેસાણા જિલ્લાના ભાજપના અગ્રણી ચહેરા બની ગયા અને આજે તેઓ રાજ્યસભાના સાંસદ બનવા તરફ અગ્રેસર છે.
ભાજપે આ પણ જશવંતસિંહ પરમારને પણ રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરીને સૌને ચોંકાવ્યા. જશવંત સિંહ ગોધરા શહેરના જાણીતા ડોક્ટર છે અને પંચમહાલના બક્ષી પંચ મોરચાના કારોબારી સભ્ય પણ છે. તેઓ બારિયા બક્ષી પંચ સમાજમાંથી આવે છે. ગોધરામાં 60 હજારથી વધુ બારિયા બક્ષી પંચ સમાજના મતદારો રહે છે.
જે.પી.નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ હિમાચલ પ્રદેશથી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા છે. 1994-98 વખતે તેઓ હિમાચલ પ્રદેશની વિધાનસભામાં ધારાસભ્ય દળના નેતા પણ રહી ચૂક્યા છે. તેઓ 1998થી 2003 વચ્ચે હિમાચલ પ્રદેશ સરકારમાં હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એન્ડ પાર્લામેન્ટ્રી અફેર્સના કેબિનેટ મંત્રી હતા. તેઓ 2014માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા. 2019માં તેમને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા અને 2020માં તેમની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી કરાઈ હતી.