રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પુજારા સૌરાષ્ટ્ર માટે દાયકાથી વધુ સમયથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમે છે
રાજકોટ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને બેટર ચેતેશ્વર પુજારાનું સન્માન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા એક ભવ્ય સમારંભમાં જાડેજા અને પુજારાનું ભારતીય ટીમમાં એક દાયકા કરતાં વધુ સમયના યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પુજારા સૌરાષ્ટ્ર માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા હતા. પુજારા તાજેતરમાં રમાઈ રહેલી રણજી ટ્રોફી 2023-24માં પણ સૌરાષ્ટ્ર માટે રમી રહ્યો છે. ભારતીય ટીમ તરફથી રમતા પહેલા પુજારા અને જાડેજા સૌરાષ્ટ્ર માટે સાથે રમતા હતા.
પુજારાએ કહ્યું, “મને હજુ પણ યાદ છે કે જ્યારે મેં આ રમત શીખવાનું શરૂ કર્યું હતું. આ મારું હોમ ગ્રાઉન્ડ છે અને જ્યારે હું પ્રથમવાર અંડર-14 સ્તરે સૌરાષ્ટ્ર માટે રમ્યો હતો, ત્યારે રવિન્દ્ર અને હું સાથે હતા. મારી અંડર-14 ટીમમાં પસંદગી થઈ હતી. હું ઉદાસ હતો કારણ કે હું ઘરથી દૂર જઈ રહ્યો હતો અને પછી હું ક્રિકેટ રમવા માંગતો ન હતો કારણ કે હું મારા પરિવારને મિસ કરી રહ્યો હતો. એક બાળક હોવાને કારણે, હું મારા પરિવારથી દૂર રહેવું સહન કરી શક્યો નહીં. આ રીતે મેં આ યાત્રા શરૂ કરી હતી.
રવિન્દ્ર જાડેજાએ કહ્યું, અમે અંડર-14 ટુર્નામેન્ટમાં સાથે રમ્યા હતા. જો હું ખોટો ન હોઉં, તો અમે પુણેમાં રમ્યા હતા. પુજારાની યાદશક્તિ સારી છે, તેથી મને લાગે છે કે તે બધું જ જાણે છે.રણજી ટ્રોફીમાં રેલ્વે સામે મેં ત્રેવડી સદી ફટકારી હતી. એક બેટર તરીકે તે મારી માટે એક અવિસ્મરણીય ક્ષણ હતી. મેં આ મેદાન પર ઘણી ફાઈફર્સ (5 વિકેટ) લીધી છે. પુજારા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે મારી ઘણી યાદો છે.