રશિયાની પરમાણુ હથિયારોને અંતરિક્ષમાં સ્થાપિત કરવા યોજના

Spread the love

આ બાબત અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે

વોશિંગ્ટન

શું હવે આગામી યુદ્ધ અંતરિક્ષમાં લડાશે અને શું ત્યાંથી પણ પરમાણુ હુમલો થવાનો ખતરો રહેશે? એક અમેરિકન ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં આ દિશામાં જ ઈશારો કરાયો છે જેણે સૌની ખાસ કરીને અમેરિકાની ચિંતા વધારી દીધી છે. 

અમેરિકન ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા પરમાણુ હથિયારોને અંતરિક્ષમાં કેવી રીતે સ્થાપિત કરવા તે અંગે પ્લાન બનાવી રહ્યું છે. એક રિપબ્લિકન ધારાસભ્યએ રશિયાની યોજના વિશે ચેતવણી ઉચ્ચારતાં કહ્યું કે તે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે. સમગ્ર મામલાથી વાકેફ અધિકારીઓએ કહ્યું કે રશિયાએ હજુ સુધી અંતરિક્ષમાં કોઈ શસ્ત્રો તૈનાત કર્યા નથી. માત્ર તેના વિશે ફક્ત વિચારી જ રહ્યો છે. તેમ છતાં સુરક્ષા એજન્સીઓ માટે આ ચિંતાનો વિષય છે. જો કે હાલમાં સામાન્ય લોકોને તેનાથી કોઈ ડર નથી. 

અમેરિકન એજન્સીઓનું કહેવું છે કે ભલે રશિયાની આ યોજના હજુ અસ્તિત્વમાં નથી આવી પરંતુ તે ચોક્કસપણે અમારા માટે ચિંતાનો વિષય છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન પણ ગુરુવારે આ મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક યોજવાના છે. આ દરમિયાન એક અમેરિકન સાંસદે રાષ્ટ્રપતિ જો બાઈડન પાસે માંગ કરી છે કે રશિયાના આ ખતરનાક મિશન સાથે સંબંધિત જે પણ માહિતી છે, તેને લોકો સાથે શેર કરવી જોઈએ. તેમણે કહ્યું કે આવી માહિતી શેર કરવાથી આપણે જાણી શકીશું કે કયા સ્તરનો ખતરો છે.

અમેરિકન એજન્સીઓનું કહેવું છે કે રશિયાના આ પ્રકારના ખતરનાક ઈરાદા ગાઝા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને જોતાં અમારી ચિંતા વધારી રહ્યા છે.  એક યુદ્ધમાં તો અમેરિકાનો ખાસ મિત્ર ઈઝરાયલ સામેલ છે. આ સિવાય અમેરિકાના નેતૃત્વમાં નાટો સંગઠન પણ યુક્રેનની મદદ કરી રહ્યું છે. હાલમાં જેક સુલિવાને આ મુદ્દે કોઈ ટિપ્પણી નહોતી કરી. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રશિયા અને અમેરિકા વચ્ચે શીત યુદ્ધ જેવી સ્થિતિ છે. જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે અમેરિકા સીધું યુદ્ધમાં ઉતર્યું ન હતું, પરંતુ તેણે યુક્રેનને ઘણી મદદ કરી હતી. આ સિવાય ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા પણ ફસાઈ ગયું છે અને તેણે અરબ દેશોને મનાવવાનું છે. તાજેતરમાં વ્લાદિમીર પુતિને કટાક્ષ કરતાં કહ્યું હતું કે અમેરિકા, યુરોપિયન યુનિયન અને પશ્ચિમી દેશોને સમજાઈ ગયું હશે કે રશિયાને હરાવવું તેમના માટે શક્ય નથી. 

Total Visiters :93 Total: 1469507

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *