એસટીએફની ટીમ આરોપી જાવેદ શેખની પૂછપરછ કરી રહી છે, જેમાં એક મહિલાનું નામ સામે આવ્યું છે
લખનઉ
ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (એસટીએફ) મુઝફ્ફરનગરના ખાલાપરમાંથી ચાર ટાઈમ બોમ્બ સાથે એક યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપીનું નામ જાવેદ શેખ છે. તેની પાસેથી ચાર બોટલ ટાઈમ બોમ્બ મળી આવ્યા છે. હાલ એટીએસ અને એસટીએફની ટીમ આરોપીઓની પૂછપરછ કરી રહી છે, જેમાં એક મહિલાનું નામ સામે આવ્યું છે.
જાવેદ શેખ આ બોમ્બ સપ્લાય કરવા માટે ઈમરાના નામની મહિલાના સંપર્કમાં હતો. ઈમરાના મૂળ શામલીની છે અને હાલ મુઝફ્ફરનગરના ખાલાપરમાં રહે છે. ઈમરાનાની ગતિવિધિઓને પણ ખૂબ જ શંકાસ્પદ ગણાવવામાં આવી છે. માહિતી બાદ આરોપી જાવેદની એસટીએફએ ધરપકડ કરી હતી.
આરોપીએ ઘટસ્ફોટ કર્યો હતો કે, ખાલાપરની રહેવાસી મહિલા ઈમરાનાના કહેવાથી બોમ્બ બનાવ્યા હતા. હાલ તમામ ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને એટીએસ આ બોમ્બ શેના માટે ઉપયોગમાં લેવાના હતા તે અંગે પૂછપરછ કરી રહી છે. આરોપીના કેટલાક સંબંધીઓ નેપાળમાં પણ રહેતા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીને બોમ્બ બનાવવાની સારી જાણકારી છે.
જાવેદ શેખની ધરપકડ બાદ ઈમરાના ફરાર થઈ ગઈ છે. હાલ એસટીએફ, એટીએસ અને અન્ય એજન્સીઓ ઈમરાનની શોધમાં લાગેલી છે. ઈમરાનની ધરપકડ બાદ જ સામે આવશે કે આ ટાઈમ બોમ્બનું શું થવાનું હતું.