ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં ઝેક ક્રોલી બુમરાહના બોલ પર એલબીડબલ્યુ આઉટ થતા ફીલ્ડ અમ્પાયરે આઉટ આપ્યા બાદ ક્રોલીએ ડીઆરએસ લીધું હતું
રાજકોટ
રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારત આ ટેસ્ટ સીરિઝમાં 2-1થી આગળ થઇ ગયું છે. ભારત સામે હાર્યા બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ડીઆરએસના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. બેન સ્ટોક્સે ડીઆરએસને લઈને કહ્યું હતું કે, “ડીઆરએસ હેઠળ લેવાયેલા કેટલાક નિર્ણયો અમારી ટીમની વિરુદ્ધમાં ગયા છે.” ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં ઝેક ક્રોલી બુમરાહના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો હતો. ફીલ્ડ અમ્પાયરે આઉટ આપ્યા બાદ ક્રોલીએ ડીઆરએસ લીધું હતું. જો કે ટીવી રિપ્લે જોયા પછી એવું લાગતું હતું કે બોલ સ્ટમ્પ સાથે અથડાઈ રહ્યો નથી. પરંતુ આ પછી પણ થર્ડ અમ્પાયરે ‘અમ્પાયર્સ કોલ’નો નિર્ણય આપ્યો જેના કારણે ક્રોલીને એલબીડબલ્યુ આઉટ થતાં પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
ઝેક ક્રોલીની વિકેટ લીધા બાદ બેન સ્ટોક્સે સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે. “ડીઆરએસને લગતા નિયમો બદલવા જોઈએ. તમે જુઓ કે ક્રોલી કેવી રીતે આઉટ થયો. અમારી વિરુદ્ધ ઘણા ડીઆરએસ નિર્ણયો આવ્યા છે, મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે તમારે ડીઆરએસને લઈને કેટલાક નિર્ણયો લેવા પડશે.”
સ્ટોક્સે વધુમાં કહ્યું, “જ્યારે તસવીરો સામે આવી ત્યારે અમને ઝેકના ડીઆરએસ વિશે થોડી સ્પષ્ટતા જોઈતી હતી. રિપ્લેમાં બોલ સ્પષ્ટપણે સ્ટમ્પને મિસ કરી રહ્યો છે, તેથી જ્યારે અમ્પાયર્સ કોલ આવ્યો ત્યારે અમને આશ્ચર્ય થયું. તેથી અમે ફક્ત હોક-આઈના લોકો પાસેથી થોડી સ્પષ્ટતા ઇચ્છતા હતા. મને લાગે છે કે હવે ‘અંપાયર્સ કોલ’ હટાવી દેવાનું વધુ સારું રહેશે. જો બોલ સ્ટમ્પને હિટ કરે છે, તો તે હિટ કરે છે.” જણાવી દઈએ કે આ નિર્ણયને લઈને કેપ્ટન બેન સ્ટોક્સ અને કોચ બ્રેન્ડન મેક્કુલમ મેચ રેફરી પાસે પણ ગાયા હતા.