વોટ્સએપમાં આવનારું આ નવું ફીચર સ્નેપચેટ અને પેમેન્ટ એપ્સ પેટીએમ અને ગુગલ પે ની જેવું છે
નવી દિલ્હી
વોટ્સએપ છેલ્લા ઘણા મહિનાથી પોતાના યૂઝર્સની સેફ્ટીને લઈને સતત આકરા પગલા ઉઠાવી રહ્યુ છે. વ્હોટ્સએપે તાજેતરમાં જ ફેક ન્યૂઝ, ડીપફેક્સ અને એઆઈ-જનરેટેડ ખોટી માહિતીને રોકવા માટે હેલ્પલાઈન લોન્ચ કરવાની જાણકારી આપી હતી અને હવે ખબર છે કે વોટ્સએપના નવા ફંક્શનની સાથે યૂઝર્સ કોઈ બીજા યૂઝરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીન શોટ લઈ શકશે નહીં.
વોટ્સએપ સાથે જોડાયેલી માહિતીને ટ્રેક કરનાર પબ્લિકેશન વેબેટાઈન્ફોએ લેટેસ્ટ વોટ્સએપ બીટા એન્ડ્રોયડ એપ પર નવા ફિચરને જોયુ. યૂઝર્સ ગુગલ પ્લેસ્ટોરથી વોટ્સએપ બીટા એપ (વોટ્સએપ બેટા એપ) ને ડાઉનલોડ કરી શકે છે. નવા ફીચર દ્વારા વોટ્સએપનો ઈરાદો યૂઝર પ્રાઈવસીને વધારવાનો છે જેથી કોઈ પણ યૂઝરની સંમતિ વિના પર્સનલ ફોટોને ડાઉનલોડ અને શેર કરી શકે નહીં.
રિપોર્ટ અનુસાર હવે જ્યારે કોઈ યૂઝર કોઈ બીજા યૂઝરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લેવાનો પ્રયત્ન કરે છે તો તેમને ઈમેજની નીચે ‘કાન્ટ ટેક એ સ્ક્રિન શૉટ ડ્યુ ટૂ એપ રિસ્ટ્રિક્શન્સ’ મેસેજ લખેલો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે વોટ્સએપમાં આવનારુ આ નવુ ફીચર સ્નેપચેટ અને પેમેન્ટ એપ્સ પેટીએમ અને ગુગલ પે ની જેમ છે. આ એપ્સમાં પણ યૂઝર્સ સ્ક્રીનશોટ લઈ શકતા નથી. જોકે, હજુ પણ તમે કોઈ બીજા યૂઝરની પ્રોફાઈલ પિક્ચરને સેકન્ડરી ડિવાઈસ જેમ કે ફોન કે કેમેરાથી કેપ્ચર કરી શકો છો.
એવુ લાગે છે કે પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ બ્લોક કરનાર ફંક્શનની સાથે વોટ્સએપ હેરેસમેન્ટ અને ખોટી ઓળખના જોખમને ઘટાડવા ઈચ્છે છે. સ્ક્રીનશોટ બ્લોક ફીચર હાલ ખૂબ ઓછા બીટા યૂઝર્સ માટે ઉપલબ્ધ છે પરંતુ આગામી અઠવાડિયામાં આ ફીચરને તમામ યૂઝર્સ માટે રોલ આઉટ કરી દેવામાં આવશે. 2019માં વ્હોટ્સએપે કોઈ અન્ય યૂઝરની પ્રોફાઈલ પિક્ચરને ડાઉનલોડ કરવાની સુવિધાને બંધ કરી દીધી હતી.