ઈસરોના રોકેટ પર ચીનનો ઝંડો ડિઝાઈનરની નાનકડી ભૂલઃ ડીએમકે

Spread the love

પાર્ટી વતી આ જાહેરાત આપનારા મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ માત્ર એક સામાન્ય અને નાનકડી ભૂલ હતી, ડીએમકેનો કોઈ એવો ઈરાદો નહોતો

નવી દિલ્હી

ઈસરો એટલે કે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના નવા પ્રક્ષેપણ સંકુલને લગતી એક જાહેરાત વિવાદનું કારણ બની ગઇ છે. મામલો એવો છે કે આ જાહેરાતમાં ઈસરોના રોકેટ પર ચીનનો રાષ્ટ્રધ્વજ લગાવી દેવામાં આવ્યો હતો જેને લઈને તમિલનાડુમાં વિવાદ ચગ્યો છે. આ ઘટનાના એક દિવસ બાદ સત્તાધારી પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ના નેતા અને મત્સ્યોદ્યોગ મંત્રી અનિતા આર રાધાકૃષ્ણને કહ્યું કે આ ડિઝાઇનરની ભૂલ હતી. પાર્ટી વતી આ જાહેરાત આપનારા મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ માત્ર એક સામાન્ય અને નાનકડી ભૂલ હતી, ડીએમકેનો કોઈ એવો ઈરાદો નહોતો.

તેમણે કહ્યું કે જાહેરાતમાં આ એક નાનકડી ભૂલ હતી. અમારો અન્ય કોઈ ઈરાદો નહોતો. અમારા દિલમાં ભારત પ્રત્યે ઘણો પ્રેમ છે. રાધાકૃષ્ણને કહ્યું કે તેમની પાર્ટીનું વલણ છે કે ભારત અખંડ રહે અને દેશમાં જાતિ કે ધર્મના આધારે સંઘર્ષને સ્થાન ન મળે. 

રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે સૌથી પહેલા ડીએમકેના દિવંગત નેતા એમ.કરુણાનિધિએ તમિલનાડુમાં કુલશેખરાપટ્ટિનમ ખાતે નવા ઈસરો પ્રક્ષેપણ સંકુલની માંગણી કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી  એમ.કે. સ્ટાલિન અને થુથુકુડીના લોકસભા સાંસદ કનિમોઝીએ કેન્દ્રને રાજ્યમાં પ્રક્ષેપણ કેન્દ્રની સ્થાપના કરવા અપીલ કરી હતી. 

મંત્રી રાધાકૃષ્ણને કહ્યું કે આ જ કારણ છે કે આ પ્રોજેક્ટને તમિલનાડુમાં લાવવા માટે ડીએમકે નેતાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પ્રકાશિત કરવા માટે અખબારોમાં જાહેરાત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ દરમિયાન એડ ડિઝાઈનરે એવી ભૂલ કરી જેના પર અમારું ધ્યાન નહોતું ગયું. બીજી બાજુ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી એલ મુરુગને માંગ કરી હતી કે DMK તે જાહેરાત પ્રકાશિત કરવા બદલ લોકોની માફી માંગે.

Total Visiters :125 Total: 1480083

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *