ડૉ. અઝીઝ કુરેશી 1984માં મધ્ય પ્રદેશના સતના બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી પ્રથમ વખત સાંસદ બન્યા હતા
ભોપાલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ત્રણ વખતના પૂર્વ રાજ્યપાલ ડૉ.અઝીઝ કુરેશીનું 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. થોડા દિવસો પહેલા આરોગ્ય લથડતા તેમને ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે હોસ્પિટલમાં જ શુક્રવારે અંતિમ શ્વાસ લીધા.
ડૉ. અઝીઝ કુરેશીનો જન્મ 24 એપ્રિલ 1940માં ભોપાલમાં થયો હતો. તેમણે 1984માં મધ્ય પ્રદેશના સતના બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી પ્રથમ વખત સાંસદ બન્યા હતા. ત્યારબાદ તેઓ મધ્યપ્રદેશ કોંગ્રેસ ચૂંટણી કમિટીના સચિવ, ભારતીય યુવા કોંગ્રેસના સંસ્થાપક સભ્ય પણ બન્યા હતા. આ ઉપરાંત તેઓ 1973માં મધ્ય પ્રદેશ સરકારના વિવિધ વિભાગોના વિવિધ પદો પર રહ્યા હતા. મધ્યપ્રદેશની તત્કાલીન કમલનાથ સરકારે 24 જાન્યુઆરી-2020ના રોજ તેમને મધ્ય પ્રદેશ ઉર્દુ અકાદમીના અધ્યક્ષ નિમ્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મિઝોરમાં રાજ્યપાલ પણ રહી ચુક્યા છે.
મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી પી.સી.શર્માએ કહ્યું કે, અમને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. અઝીઝ કુરેશીનું નિધન થયું હોવાના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. હું તેમના નિધન પર શોક વ્યક્ત કરું છું. ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે અને શોકાતુર પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.