ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના 20 સીટો પર જોકે કોંગ્રેસ 18 તથા શરદ પવારની એનસીપી 10 બેઠકો પર લોકસભા ચૂંટણીમાં પોત પોતાના ઉમેદવારોને મેદાને ઉતારવા સહમત
નવી દિલ્હી
જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઈન્ડિયા ગઠબંધનમાં રાજકીય પક્ષોની તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીને લઈને પણ મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સીટ વહેંચણીને લઈને ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી, પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી અને કોંગ્રેસ વચ્ચે સમજૂતી થઇ ચૂકી છે.
અહેવાલો અનુસાર ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના 20 સીટો પર જોકે કોંગ્રેસ 18 તથા શરદ પવારની એનસીપી 10 બેઠકો પર લોકસભા ચૂંટણીમાં પોત પોતાના ઉમેદવારોને મેદાને ઉતારવા સહમત થઈ ગયા છે. જોકે આ મામલે હવે ઔપચારિક જાહેરાત જ થવાની બાકી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે મહાવિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે સીટ શેરિંગ અંગે ચર્ચા લગભગ ફાઈનલ થઇ ગઇ છે. જલદી જાહેરાત કરીશું. પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. તેના વગર સીટ શેરિંગ શક્ય નથી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 48 લોકસભા બેઠકો છે.