થાઈ એમ્બેસેડર પિમ્ચાનોક વોનકોર્પોન પિટફિલ્ડને ડબલ્યુટીઓ 13મી મંત્રી પરિષદમાંથી થાઈલેન્ડ પરત આવી જવાનો આદેશ આપી દેવામાં આવ્યો
નવી દિલ્હી
ભારતના ચોખા ખરીદી કાર્યક્રમ અંગે વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યૂટીઓ) માં થાઈલેન્ડના રાજદૂત તરફથી વિવાદાસ્પદ ટિપ્પણી કરાયા બાદ તેની સામે ભારત સરકારે ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેના બાદ થાઈલેન્ડે ડબલ્યુટીઓમાં થાઈલેન્ડના રાજદૂતને હટાવવાની ફરજ પડી હતી. એક ટોચના અધિકારીએ આ માહિતી આપી હતી.
અધિકારીએ જણાવ્યું કે થાઈ એમ્બેસેડર પિમ્ચાનોક વોનકોર્પોન પિટફિલ્ડને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુટીઓ) 13મી મંત્રી પરિષદ (એમસી-13)માંથી થાઈલેન્ડ પરત આવી જવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. એવી માહિતી છે કે થાઈલેન્ડના વિદેશ સચિવને હવે તેમની જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી હતી.
મંત્રી સ્તરની મંત્રણા પાંચમા દિવસમાં પ્રવેશી ગઈ છે. અધિકારીએ કહ્યું કે ભારતે મંગળવારે સલાહ સૂચન માટેની બેઠક દરમિયાન પીટફિલ્ડની ટિપ્પણીઓ પર ભારે નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે નવી દિલ્હી પર આરોપ લગાવ્યો હતો કે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ માટે ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) પર ચોખા ખરીદવાનો કાર્યક્રમ લોકો માટે નથી, પરંતુ નિકાસ બજારને કબજે કરવા માટે છે.
જેની સામે ભારતે ઔપચારિક રીતે થાઈલેન્ડ સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ડબલ્યુટીઓના વડા, કૃષિ સમિતિના વડા કેન્યા અને યુએઈ સમક્ષ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે તેના વિરોધને પગલે થાઈ રાજદૂતની બદલી કરવામાં આવી છે.