જામનગર એરપોર્ટને 10 દિવસ માટે આંતરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરાયું

જામનગર એરપોર્ટ પર 25 ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું આગમન વધી ગયું છે અને તેને 5 માર્ચ સુધી તેની પરવાનગી મળી

જામનગર

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ સમારોહને ધ્યાનમાં રાખીને જામનગરમાં રાષ્ટ્રીય સહિત આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓ અને હસ્તીઓનો જમાવડો સર્જાયો છે. હવે આ સમારોહને ધ્યાનમાં રાખીને જ જામનગરના એરપોર્ટને 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરી દેવાયો છે. 

ઉલ્લેખનીય છે કે આ સમારોહમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરની હસ્તીઓ બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, રિહાના, ઈવાંકા ટ્રમ્પ અને અન્ય ઘણાં પૂર્વ વડાપ્રધાન પણ ત્રણ દિવસના પ્રિ વેડિંગ સમારોહમાં સામેલ થવા જામનગર આવી પહોંચ્યા છે.  

જામનગર એરપોર્ટ પર 25 ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું આગમન વધી ગયું છે અને તેને 5 માર્ચ સુધી તેની પરવાનગી મળી ગઈ છે. અહીં તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું ઉતરાણ થઇ શકશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય, નાણા અને ગૃહ બાબતોના મંત્રાલયે પણ કસ્ટમ, ઈમિગ્રેશન, ક્વૉરન્ટાઈન વ્યવસ્થા ઊભી કરવા નિર્દેશ આપી દીધા છે.  શુક્રવારના દિવસની વાત કરીએ તો અહીં કુલ 140 જેટલાં વિમાનોની અવર જવર તો થઈ ચૂકી છે. 

મહેમાનોના ધસારાને ધ્યાનમાં રાખી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પેસેન્જર બિલ્ડિંગ 475 ચો.મી.થી વધારીને 900 ચો.મી. કરવાનો નિર્ણય કર્યો છે. તે પીક અવર દરમિયાન 180ની જગ્યાએ હવે 360 મુસાફરોને સુવિધા આપશે. અગાઉથી જ આ પ્રકારના વિસ્તરણની યોજના તો બનાવાઈ હતી પરંતુ આ સમારોહને ધ્યાનમાં રાખી તાજેતરનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. હાઉસકીપિંગ સ્ટાફમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓની સંખ્યા પણ લગભગ બમણી કરી દેવામાં આવી છે. ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓને પણ સ્ટાફમાં વધારો કરવા નિર્દેશ આપી દેવામાં આવ્યો છે. 

Total Visiters :156 Total: 1488460

By Admin

Leave a Reply