નવેલનીના સમર્થકોએ પુતિન સામે નારાબાજી કરી હતી હતી અને પુતિન હત્યારા હોવાનો સૂત્રો પણ પોકાર્યા હતા
મોસ્કો
રશિયન રાષ્ટ્રપતિ પુતિનના પ્રખર વિરોધી એલેક્સી નવેલનીનુ જેલમાં રહસ્મયસંજોગોમાં મોત થયા બાદ શુક્રવારે મોસ્કોમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
રશિયન સરકારે નવેલનીના પરિવારને દફનવિધિ ગુપ્ત રાખવાની શરતે મૃતદેહ સોંપ્યો હોવા છતા અને આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હોવા છતા અંતિમ સંસ્કાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
નવેલનીના સમર્થકોએ પુતિન સામે નારાબાજી કરી હતી હતી અને પુતિન હત્યારા હોવાનો સૂત્રો પણ પોકાર્યા હતા. પોલીસે નવેલનીના 100 જેટલા સમર્થકોની અટકાયત પણ કરી હતી.
નવેલનીના અંતિમ સંસ્કાર દરમિયાન મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા હતા. જેથી લોકો મોટી સંખ્યામાં એકઠા ના થાય. આમ છતા નવેલનીના સમર્થકો અંતિમ સંસ્કારના સ્થળે પહોંચ્યા હતા. નવેલનીના માતા પિતા પણ હાજર રહ્યા હતા. સમર્થકોએ પુતિન સામે નારા પોકારીને કહ્યુ હતુ કે, પુતિન હત્યારા છે અને તેમને ક્યારેય માફ કરવામાં નહીં આવે..અંતિમ વિધિમાં ફ્રાંસ અને જર્મનીના રાજદૂત પણ હાજર રહ્યા હતા.
જોકે નવેલનીના પત્ની યુલિયા આ કાર્યક્રમમાં હાજર રહી શકી નહોતી. તેણે સોશિયલ મીડિયા પર પોતાના પતિને શ્રધ્ધાંજલી આપી હતી. યુલિયા પોતાના પતિની હત્યા માટે પહેલા જ પુતિનને જવાબદાર ઠેરવી ચુકી છે.