ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1ના પ્રક્ષેપણના દિવસે જ સોમનાથને જાણ થઈ હતી કે, તેમને કેન્સર છે
નવી મુંબઇ
વિશ્વના સૌથી ઝડપથી વિકસતા દેશ ભારતની આન-બાન-શાન સંસ્થા ઈસરોના વડાના એક દુઃખદ સમાચાર આવ્યા છે. એક બાદ એક નવી સિદ્ધિ હાંસલ કરી રહેલા ઈસરોના વડા એસ. સોમનાથ કેન્સરથી પીડિત છે. ચોંકાવનારી વાત એ છે કે ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1ના પ્રક્ષેપણના દિવસે જ સોમનાથને જાણ થઈ હતી કે, તેમને કેન્સર છે.
ઈસરોના વડા સોમનાથે એક ઈન્ટરવ્યુમાં આ વાત જણાવી છે. આ ઈન્ટરવ્યુમાં તેઓ કહે છે કે, ‘બોડી ચેક અપમાં મને કેન્સરની જાણ થઈ હતી. ચંદ્રયાન-3 મિશનના લોન્ચિંગ દરમિયાન પણ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હતી. જો કે તે સમયે કંઈ સ્પષ્ટ થયું ન હતું, પરંતુ આદિત્ય મિશનના દિવસે મને કેન્સર ડાયગ્નોસ થયું હતું. કેન્સરની જાણ થતાની સાથે જ તેઓ અને પરિવાર બંને પરેશાન થઈ ગયા હતા.’
આ ઈન્ટરવ્યુમાં સોમનાથ કહે છે કે, ‘આ દરમિયાન આખા દેશનું ધ્યાન આદિત્ય એલ-1ના લોન્ચિંગ પર હતું, પરંતુ મને કેન્સર હોવાની વાત જાણતા સાથી વિજ્ઞાનીઓ પણ ચિંતામાં પડી ગયા હતા. જો કે મેં આ પડકારજનક સ્થિતિમાં જાત સંભાળી લીધી. મારા પરિવાર અને ઈસરોના વિજ્ઞાનીઓએ લોન્ચિંગ પર ફોકસ કરવાની અપીલ કરી. છેવટે સફળ લોન્ચિંગ બાદ પેટનું સ્કેનિંગ કરાવ્યું અને તેની પુષ્ટિ થઈ. વધુ તપાસ અને સારવાર માટે ચેન્નાઈ ગયા અને ત્યાં વધુ તપાસમાં માલૂમ પડ્યું કે આ રોગ મને વારસામાં મળ્યો છે. મને પેટનું કેન્સર હોવાનું માલુમ પડ્યું.’
ત્યારબાદ સોમનાથની સર્જરી થઈ અને બાદમાં કિમોથેરાપી શરૂ થઈ. આ જીવલેણ બિમારીના કારણે એક સમયે આખો પરિવાર અને મિત્રો આઘાતમાં હતા, પરંતુ હવે સ્થિતિ સામાન્ય છે. હાલ તેમની સારવાર ચાલે છે અને તેઓ સ્વસ્થ છે.
આ દરમિયાન સોમનાથે કહ્યું કે ‘મને ખ્યાલ છે કે આ સારવારમાં ઘણો સમય લાગશે. કેન્સર સામેની લડત એક લાંબી પ્રક્રિયા છે પરંતુ આ યુદ્ધમાં હું લડીશ. નોંધપાત્ર રિકવરી થઈ ગઈ છે. માત્ર ચાર દિવસ જ હું હોસ્પિટલમાં હતો. ત્યારબાદ મેં ફરી કામ શરૂ કર્યું અને કોઈ પણ જાતની પીડા વિના મેં પાંચમા દિવસથી ઈસરોમાં ફરી કામ શરૂ કર્યું હતું. હું સતત મેડિકલ ચેકઅપ અને સ્કેનિંગ કરાવું છું. અમારા કામ અને ઈસરોના મિશન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત છે. ઈસરોના ભવિષ્યના તમામ મિશન પૂર્ણ કર્યા પછી જ હું જંપીશ.’