પુરીના જગન્નાથ મંદિરમાં નિયમાનુસાર માત્ર હિંદુઓને જ પ્રવેશ આપવામાં આવે છે
પુરી
પુરીના જગન્નાથ મંદિરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં અજાણ્યા બાંગ્લાદેશી નાગરિકો મંદિરમાં પ્રવેશતા ઝડપાયા હતા. જે બાદ પોલીસે આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. આ અંગે વધુ માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે રવિવારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ કેટલાક બાંગ્લાદેશી નાગરિકોને મંદિરની અંદર જતા જોયા હતા. તેઓએ સિંહદ્વાર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી. નોંધનીય છે કે પુરીના જગન્નાથ મંદિરમાં નિયમાનુસાર માત્ર હિંદુઓને જ પ્રવેશ આપવામાં આવે છે.
આ ઘટના અંગે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું, કે વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક કાર્યકરોએ ફરિયાદ કરી હતી કે 12મી સદીના પુરીના જગન્નાથ મંદિરમાં ઘણા બિન-હિંદુ બાંગ્લાદેશીઓ પ્રવેશ કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ લોકો મંદિરના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ પછી સિંહદ્વાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમની ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી હતી અને રવિવારે સાંજે 09 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. તેમની સામે સિંહદ્વાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
પુરીના એડિશનલ એસપી સુશીલ મિશ્રાએ જણાવ્યું હતું કે ફરિયાદ મળ્યા બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે કેટલાક પ્રવાસીઓને પૂછપરછ માટે અટકાયતમાં લીધા હતા અને તેમની પૂછપરછ શરૂ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના પાસપોર્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન તેમાંથી એક હિંદુ હોવાનું જાણવા મળ્યું છે. અન્ય પાસપોર્ટની પણ તપાસ ચાલી રહી છે. એફઆઈઆર તપાસમાં જાણવા મળ્યું છે કે નવમાંથી ચાર મંદિરમાં પ્રવેશ્યા હતા. જો તેઓ બિન-હિંદુ હોવાનું જણાશે તો તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.