અમદાવાદ સ્થિત સીબીઆઈ કોર્ટે કરપ્શનના એક કેસમાં ઈન્કમટેક્સના બે રિટાયર્ડ અધિકારીઓને ત્રણ વર્ષની જેલની સજા સુનાવી હતી
અમદાવાદ
દેશમાં ભ્રષ્ટાચારને રોકવા માટે અનેક રસ્તા અપનાવાઈ રહ્યા હોવા છતાં કરપ્શનનો જાણે કોઈ અંત નથી તેવું લાગે છે. સ્વયં સીબીઆઈ કોર્ટે કહેવું પડ્યું છે કે આજે ભ્રષ્ટાચાર એટલો ફૂલ્યો ફાલ્યો છે કે ઈમાનદાર વ્યક્તિને આપણો સમાજ બેવકૂફ સમજે છે. આવી ટિપ્પણી કરીને અમદાવાદ સ્થિત સીબીઆઈ કોર્ટે કરપ્શનના એક કેસમાં ઈન્કમટેક્સના બે રિટાયર્ડ અધિકારીઓને ત્રણ વર્ષની જેલની સજા સુનાવી હતી.
સીબીઆઈ કોર્ટે કહ્યું હતું કે દેશમાં ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી ગયો છે કે કોઈ વ્યક્તિ પ્રામાણિકતાથી કામ કરે તો આધુનિક સમાજ તેને મૂર્ખ ગણે છે. આ કેસમાં મહેશ સોમપુરા અને મુકેશ રાવલ નામના બે ઈન્કમટેક્સ ઓફિસર અમદાવાદમાં પોસ્ટિંગ ધરાવતા હતા. ઓગસ્ટ 2011માં તેમને એક ટેક્સ સ્ક્રૂટિની કેસમાં સેટલમેન્ટ માટે લાંચ લેતા રંગે હાથ પકડવામાં આવ્યા હતા. આ અધિકારીઓએ 1.75 લાખ રૂપિયાની લાંચ માગી હતી અને પછી 50,000 રૂપિયા સ્વીકારતી વખતે પકડી લેવાયા હતા. તેમની સામે ભ્રષ્ટાચાર વિરોધી ધારા હેઠળ કાર્યવાહી થઈ હતી.
હવે આ બંને અધિકારીઓ નિવૃત્ત છે પરંતુ તેમનો કેસ હજુ ચાલતો હતો. સ્પેશિયલ સીબીઆઈ જજે બંને અધિકારીઓને દોષિત ગણાવીને તેમને ત્રણ વર્ષની સજા તથા 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે કરપ્શન કરનારા અધિકારીઓની ઉંમર વધારે છે તે કારણથી તેમને સજામાં રાહત આપી શકાય નહીં.
કોર્ટે પોતાના ચુકાદામાં જે વાત કહી તે મહત્ત્વની છે. કોર્ટે કહ્યું છે કે જે લોકો સિદ્ધાંતથી કામ કરે છે તેમને કોઈ ગણતરીમાં નથી લેતું અને તેમને બેવકૂફ માનવામાં આવે છે. ભારતમાં યોગ્ય કામ કરાવવા માટે પણ લાંચ આપવી પડે છે.
બંને ઈન્કમટેક્સ અધિકારીઓએ પોતાની ઉંમરનું કારણ આપીને સજામાં રાહત આપવા માંગણી કરી હતી. પરંતુ કોર્ટે કહ્યું કે આવા ગંભીર ગુનામાં ગુનેગારોને આકરી સજા કરવામાં નહીં આવે તો ન્યાયનું અપમાન કર્યું ગણાશે. આરોપીઓને હળવી સજા કરવામાં આવશે તો લોકો દેશની ન્યાય સિસ્ટમને શંકાની નજરે જોવા લાગશે. સામાન્ય લોકોને અદાલતો પરથી ભરોસો ઉઠી જશે. આવા કેસમાં સુધારાની વાતો કરવાના બદલે સજા કરવામાં આવે તે વધુ યોગ્ય છે. તેથી આરોપી પ્રત્યે સહાનુભૂતિ રાખીને હળવી સજા કરવામાં આવશે તો જસ્ટિસ સિસ્ટમને નુકસાન થશે.
કોર્ટે કહ્યું કે ખોટી રીતે સહાનુભૂતિ દર્શાવવાથી કે હળવી સજા કરવાથી લોકોમાં ખોટો સંદેશ જશે અને તેનાથી દેશની ન્યાયપ્રણાલિની વિશ્વસનીયતા જોખમાશે. બંને આરોપીની ઉંમર હવે 73 વર્ષ કરતા વધારે છે અને નિવૃત્ત થઈ ગયા છે. તેથી હવે તેમને સુધારવાનો કોઈ પ્રશ્ન નથી.