લક્ષ્મી તેના મોબાઈલ ફોન પર ઓન-લાઈન કોચિંગ લે છે અને લાઈબ્રેરી રીડિંગ રૂમમાં ડોનેશનમાં મળેલા પુસ્તકોમાંથી અભ્યાસ કરે છે
સુરત
23 વર્ષીય લક્ષ્મી રાઠોડ જ્યારે પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેના પિતાની તબીયત બગડતા તેમને કામકાજ બંધ કરવું પડ્યું હતું. જેથી પરિવારને આર્થિક ટેકો કરવા માટે લક્ષ્મીએ ભણવાનું છોડીને લોકોના ઘરે કામ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, તેને હંમેશા આગળ ભણવાની ઈચ્છા હતી અને તેથી તેણે 10 વર્ષ બાદ ફરીથી અભ્યાસ શરૂ કર્યો છે.
તેના જીવનનો દરેક દિવસ પરીક્ષાથી ઓછો નથી કારણ કે પ્રત્યેક દિવસ તેના માટે એક સંઘર્ષનો દિવસ છે. આ વાત છે 23 વર્ષીય લક્ષ્મી રાઠોડની જે પોતાના પરિવારને આર્થિક ટેકો આપવા માટે લોકોના ઘરે કામ કરે છે અને સાથે સાથે પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ધોરણ-10ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી છે. આવતા અઠવાડિયાથી શરૂ થનારી ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ રહી છે અને તેના માટે તે એક-એક મિનિટનો ઉપયોગ કરી રહી છે. તે તેના મોબાઈલ ફોન પર ઓન-લાઈન કોચિંગ લે છે અને લાઈબ્રેરી રીડિંગ રૂમમાં ડોનેશનમાં મળેલા પુસ્તકોમાંથી અભ્યાસ કરે છે. જોકે, આટલું ઓછું હોય તેમ તે આ બધુ ગુપ્ત રીતે કરી રહી છે કેમ કે તેના માતા-પિતાને તે વિદ્યાર્થી છે તેવી ખબર જ નથી. તેને ડર છે કે જો તેના માતા-પિતાને પોતે અભ્યાસ કરે છે તે વાતની ખબર પડશે તો તેઓ તેનો અભ્યાસ બંધ કરાવી દેશે.
લક્ષ્મીના પિતાને સ્વાસ્થ્યની સમસ્યા છે અને બીમારીના કારણે તેમને કામ કરવાનું બંધ કરવું પડ્યું. તેવામાં લક્ષ્મીના ખભા પર પોતાના પરિવારને આર્થિક મદદ કરવાની જવાબદારી આવી પડી. જેના કારણે ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટી એવી લક્ષ્મીને અભ્યાસ છોડવો પડ્યો હતો. બીજી તરફ તેની માતાને તેની દાદીની સંભાળ રાખવા માટે ઘરે રહેવું પડ્યું. લક્ષ્મીએ જણાવ્યું હતું કે, જ્યારે હું 12 વર્ષની હતી અને ધોરણ-5માં અભ્યાસ કરતી હતી ત્યારે મને કામ કરવાનું શરૂ કરવા અને ઘરની આવકમાં યોગદાન આપવાનું કહેવામાં આવ્યું હતું. જેથી લક્ષ્મીએ લોકોના ઘરે જઈને ઘરકામ કરવાનું શરૂ કર્યું અને તેના નાના ભાઈ-બહેન પણ હવે કામ કરે છે. લક્ષ્મી મહિને લગભગ 15,000 રૂપિયા કમાય છે.
જોકે, લક્ષ્મીને ભણવું હતું તેથી તેણે 10 વર્ષ પછી પાછો અભ્યાસ શરૂ કર્યો. લક્ષ્મીને આગળ ભણવું છે અને તે શક્ય તેટલા વર્ષો સુધી વિજ્ઞાનનો અભ્યાસ કરવાનું લક્ષ્ય રાખે છે. તેણે કહ્યું હતું કે, મેં આગળ શું ભણવું છે તેનું આયોજન કર્યું નથી, પરંતુ હું માત્ર અભ્યાસ કરવા માંગુ છું. 23 વર્ષીય લક્ષ્મીએ બોર્ડની પરીક્ષા માટે પખવાડિયાની રજા લીધી છે. મ્યુનિસિપલ સ્કૂલના પ્રિન્સિપાલ નરેશ મહેતા ડ્રોપઆઉટ લેનારી લક્ષ્મીને કોચિંગ અને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, લક્ષ્મીએ આટલા વર્ષોના અંતરાલ બાદ પણ આશા ગુમાવી નથી. તેના માતા-પિતાનું સમર્થન ન હોવા છતાં તે અભ્યાસ કરી રહી છે. તે એટલા માટે અભ્યાસ કરવા ઈચ્છે છે જેથી કરીને તે પોતાના પરિવારને વધારે સારી રીતે મદદ કરી શકે.