આશીર્વાદ ફાઉન્ડેશનને ભારત સહિત વિશ્વનાં આઠ દેશોમાંથી પગલાંઓનું દાન પ્રાપ્ત થયું જેમાં આશરે સાડા પાંચ હજારથી વધુ લોકોનો સમાવેશ થાય છે
અમદાવાદ
આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શહેરના અટલ બ્રિજ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત એક ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેરિટી વોકને રાજ્યના આરોગ્ય અને ફેમિલી વેલફેર મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે શહેરના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિત 1200થી વધુ લોકો હાજર રહીને ચેરીટી વોકમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વોક ફોર હર-2 ચેરિટીવોકમાં હાજર રહેલા રાજ્યના આરોગ્ય અને ફેમિલી વેલફેર મંત્રી ઋષીકેશ પટેલે સ્તન કેન્સર જાગૃતિ અંગેના આશીર્વાદ ફાઉન્ડેશનના વોક ફોર હર-2 અભિયાનની પ્રસંશા કરતાં જણાવ્યું હતું કે એકવીસમી સદીમાં ભારતને વિશ્વ ફલક ઉપર અગ્રેસર બનાવવા આપણે સૌએ દેશની મહિલાઓને વધુમાં વધુ સશક્ત બનાવવી પડશે. આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક આર એસ પટેલે સંસ્થા દ્વારા તા. 2 થી 8 માર્ચ દરમિયાન સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ હેઠળ વોક ફોર હર-2નું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેને આ વર્ષે અકલ્પ્નીય પ્રતિસાદ સાંપડ્યો છે. આશીર્વાદ ફાઉન્ડેશનના વોક ફોર હર-2 અભિયાનના સંયોજક કેતુલ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે વોક ફોર હર-2 અભિયાનમાં અઢી કરોડથી વધુ પગલાંઓનું દાન સંસ્થાને આજે સવાર સુધીમાં પ્રાપ્ત થયું છે અને હજુ દાન આવવાનું ચાલુ છે. સંસ્થાને ભારત સહિત વિશ્વનાં આઠ દેશોમાંથી પગલાંઓનું દાન પ્રાપ્ત થયું છે. જેમાં આશરે સાડા પાંચ હજારથી વધુ લોકોનો સમાવેશ થાય છે અને તેમાં ત્રણ હજારથી વધુ મહિલાઓએ વોક ફોર હર અભિયાનમાં તેમનાં પગલાંઓનું દાન કર્યું છે.