એક પત્ની દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે તેના પતિ દ્વારા કરવામાં આવેલા કથિત અપરાધ માટે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય નહીં
ભૂવનેશ્વર
ઓડિશા હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો, જેમાં કહ્યું હતું કે આવકથી વધુ સંપત્તિ મામલે દોષિત પત્નીને આરોપી બનાવી શકાય નહીં, ભલે સંપત્તિ પત્નીના નામે હોય.
જસ્ટિસ સિબો શંકર મિશ્રાની બેંચ બુધવારે એક પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના પતિ દ્વારા કરવામાં આવેલા કથિત અપરાધ માટે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય નહીં. જસ્ટિસ સિબો શંકર મિશ્રાની સિંગલ બેન્ચે તેમના ચુકાદામાં લખ્યું હતું કે, ‘સામાન્ય રીતે, બેરોજગાર પત્ની હંમેશા તેના નોકરી કરતા પતિ પર નિર્ભર હોય છે. આ કેસમાં પણ મુખ્ય આરોપી (પતિ) અરજદાર (પત્ની) પર વર્ચસ્વ જમાવી શકે તેવી સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં, અરજદાર માટે જંગમ અથવા સ્થાવર મિલકતની ખરીદીમાં ભાગ ન લેવા અથવા તેના પતિની ઇચ્છાઓને અવગણવાનો કોઈ અવકાશ નથી.’
હાઈકોર્ટે કહ્યું કે આવા સંજોગોમાં પત્નીને કેસમાં માત્ર એટલા માટે આરોપી બનાવી શકાય નહીં કારણ કે તે આરોપીની પત્ની છે અને આરોપીએ તેના નામે મિલકત ખરીદી છે. તપાસ અધિકારીઓએ મહિલા પર તેના પતિના ભ્રષ્ટાચારમાં સામેલ થવા અને તેને ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો. આ ઉપરાંત હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘મુખ્ય આરોપી દ્વારા અપ્રમાણસર સંપત્તિના કેસમાં અગાઉથી જ સ્થાવર મિલકતોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને અરજદાર એવો દાવો પણ નથી કરી રહ્યી કે તેણીએ આ મિલકત સ્વતંત્ર રીતે પોતાના નામે મેળવી છે. તેથી, મુખ્ય આરોપી પર તે આવકના સ્ત્રોતને સાબિત કરવાની જવાબદારી બને છે, જેણે તેની પત્નીના નામે મિલકત મેળવી છે’