આવકવેરા વિભાગે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા ચાર બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા અને આવકવેરા વિભાગે રૂપિયા 210 કરોડની રિકવરી માગી
નવી દિલ્હી
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઈન્કમ ટેક્સ એપેલેટ ઓથોરિટી (આઈટીએટી) તરફથી ઝટકો લાગ્યો છે. આઈટીએટીએ શુક્રવારે કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી, જેમાં પાર્ટીએ તેના બેંક ખાતાઓ પર આવકવેરા વિભાગની કાર્યવાહી પર સ્ટે માગ્યો હતો. આવકવેરા વિભાગે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા ચાર બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા અને આવકવેરા વિભાગે રૂપિયા 210 કરોડની રિકવરી માગી છે. એટલે કે કોંગ્રેસે આ રકમ પેનલ્ટી તરીકે આવકવેરા વિભાગને ચૂકવવી પડશે. પાર્ટીએ આની સામે ઈન્કમ ટેક્સ એપેલેટ ઓથોરિટીમાં અપીલ કરી હતી, પરંતુ આ અપીલ ફગાવી દીધી છે.
ઈન્કમ ટેક્સ એપેલેટ ઓથોરિટીના આદેશ પછી, કોંગ્રેસ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિવેક તંખાએ આઈટીએટીને આદેશને 10 દિવસ માટે સ્થગિત રાખવા વિનંતી કરી જેથી તે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી શકે. તેમણે કહ્યું, “તમે સ્ટે અરજી ફગાવી દીધી હોવાથી, જેના પક્ષકારો માટે દૂરગામી પરિણામો આવશે. હું કોર્ટને વિનંતી કરી શકું છું કે તે આદેશને 10 દિવસ માટે સ્થગિત રાખે જેથી હું હાઈકોર્ટમાં જઈ શકું?’ જો કે, આઈટીએટીએ અરજી પર ધ્યાન આપવાનો ઈનકાર કરી દીધો હતો કે તેને આવા આદેશો પસાર કરવાનો કોઈ અધિકાર નથી.
આ સમગ્ર મામલો 2018-2019ના આવકવેરા રિટર્ન સાથે સંબંધિત છે. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસેથી દંડ તરીકે રૂપિયા 210 કરોડની રિકવરીની માગ કરી છે. આ કાર્યવાહીના બે કારણો છે. પ્રથમ આવકવેરા વિભાગ દ્વારા 31મી ડિસેમ્બર 2019ની નિર્ધારિત તારીખથી 40-45 દિવસ મોડું રિટર્ન સબમિટ કરવામાં આવ્યું હતું. બીજું કારણ એ છે કે 2018-19 ચૂંટણીનું વર્ષ હતું. તે ચૂંટણી વર્ષમાં કોંગ્રેસે રૂપિયા 199 કરોડનો ખર્ચ કર્યો હતો. તેમાંથી 14 લાખ 40 હજાર રૂપિયા કોંગ્રેસના સાંસદો અને ધારાસભ્યોએ તેમના પગારના ભાગરૂપે જમા કરાવ્યા હતા. આ પૈસા રોકડમાં જમા કરાવ્યા હતા. આવકવેરા વિભાગે રોકડમાં પૈસા મળવાના કારણે કોંગ્રેસ પર 210 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.