કોર્ટે બાંદા જિલ્લાની ભગોનિયા દેવીની 14 વર્ષથી પડતર અરજીનો નિકાલ કરતી વખતે આ નિર્ણય આપ્યો હતો
અલ્હાબાદ
અલ્હાબાદ હાઈકોર્ટે શિક્ષણ વિભાગ બાંદા પર એક મહિલા પટાવાળાને ફુલ ટાઈમ કર્મચારી તરીકે લેવા છતાં નિયત પગાર ન ચૂકવવા બદલ રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે. મહિલા 15 રૂપિયાના પગારે 45 વર્ષ સુધી નોકરી કર્યા બાદ 2016માં નિવૃત્ત થઈ હતી.
જસ્ટિસ સૌરભ શ્યામ શમશેરીની કોર્ટે બાંદા જિલ્લાની ભગોનિયા દેવીની 14 વર્ષથી પડતર અરજીનો નિકાલ કરતી વખતે આ નિર્ણય આપ્યો હતો. ભગોનિયા દેવીની નિમણૂક 1971માં શિક્ષણ વિભાગ હેઠળ ચાલતી ગર્લ્સ જુનિયર હાઈસ્કૂલમાં 15 રૂપિયાના પગારે કરવામાં આવી હતી. 1981માં તેમને ફુલ ટાઈમ પટાવાળા તરીકે બઢતી આપવામાં આવી અને તેમનો પગાર 165 રૂપિયા નક્કી કરવામાં આવ્યો. પરંતુ,તે વેતન ભગોનિયા દેવીને આપવામાં આવ્યું ન હતું.
ભગોનિયા દેવીએ ન્યાય માટે 1985માં હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. કોર્ટે શિક્ષણ વિભાગ બાંદાને પગાર સંબંધિત માગનો નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. શિક્ષણ વિભાગે એમ કહીને રૂપિયા 165નો પગાર ચૂકવવાનો ઈનકાર કર્યો હતો કે તેમની સેવાઓ અને પગાર મંજૂર નથી. આ નિમણૂક અનિયમિત છે. પછી 1996માં ભગોનિયા દેવીની પૂર્ણ-સમયની સેવા સમાપ્ત કરવામાં આવી. જો કે, તેમણે 2016 સુધી કામ કરવાનું ચાલુ રાખ્યું.
ભગોનિયા દેવીએ નિશ્ચિત પગારની માગ સાથે 2010માં ફરી હાઈકોર્ટમાં પહેંચી હતી. ભગોનિયા દેવી 2016માં નિવૃત્ત થઈ હતી, પરંતુ શિક્ષણ વિભાગે વધેલો પગાર ચૂકવ્યો ન હતો. 35 વર્ષની પૂર્ણ-સમયની સેવા છતાં તેમને મહિને માત્ર 15 રૂપિયાનો પગાર મળતો હતો.
હાઈકોર્ટે કહ્યું કે, ‘અરજદારે ફુલ ટાઈમ નિમણૂક રદ કરવાના આદેશને પડકાર્યો નથી, પરંતુ તેમાં કોઈ વિવાદ નથી કે તે લાંબા સમયથી ફુલ ટાઈમ પટાવાળા તરીકે કામ કરી રહી છે. તેથી અરજદારને ફુલ ટાઈમના પટાવાળા તરીકે નિયુક્ત કરવાનો હુકમ સ્વીકાર્ય છે.’ કોર્ટે અરજદારની ફુલ ટાઈમની નિમણૂકની તારીખથી રૂપિયા 165ના દરે 35 વર્ષની સેવા માટે રૂપિયા 69,300 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સાથે શિક્ષણ વિભાગને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો અને અરજદારને બે વખત કોર્ટમાં આવવા દબાણ કરવા બદલ ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો.