અકસ્માત સર્જ્યા બાદ આરોપી કાર ચાલક ફરાર થઇ ગયો, પોલીસે તેને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા
અમદાવાદ
એસ.જી. હાઈવે પર અકસ્માત સર્જનારા નબીરા તથ્ય પટેલની ઘટનાની યાદ હજુ તાજી છે, ત્યાં હવે સિંધુ ભવન નજીક હવે એક નબીરાએ એક બાઈક ચાલક યુવકને 50 ફૂટ સુધી હવામાં ફંગોળતા મોત થયાની ઘટના બની છે. માહિતી અનુસાર સિંધુ ભવન નજીક 18 વર્ષનો જયદીપ સોલંકી મોડી રાતે મિત્રો સાથે ફરવા ગયો હતો. આ દરમિયાન થાર કાર લઈને નીકળેલા એક નબીરાએ તેની બાઈકને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માહિતી અનુસાર અકસ્માત સર્જ્યા બાદ આરોપી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે તેને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે સિંધુભવન રોડ પર રોજ રાતે યુવાઓ લટાર મારવા નીકળી જાય છે. એવામાં આવા નબીરાઓની બેદરકારીને પગલે આવી ઘાતક ઘટનાઓ બની રહી છે. જયદીપ સોલંકી પણ તેના મિત્રો સાથે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. થાર કારે બાઈકને જોરદાર રીતે અડફેટે લીધી હતી. આ અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.
ભોગ બનનાર જયદીપભાઈ વિપુલભાઈ સોલંકી 18 વર્ષનો હોવાના અહેવાલ છે. તે મિત્રનું બાઇક જીજે 832 એબી 9981 લઈને સિંધુ ભવન રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. અહીં ઓરનેટ પાર્ક ચાર રસ્તા પાસે પસાર થતી વખતે મહિન્દ્રા થાર કાર નં. જીજે 27 ઈડી 0106 ના ચાલકે પૂરઝડપે તેને ટક્કર મારી હતી. જેના લીધે જયદીપ હવામાં 50 ફૂટ સુધી ફંગોળાયો હતો.
અહેવાલો અનુસાર આ થાર ગાડી મયુર સિંહ ટાંકના નામે હોવાનું ખૂલ્યું છે. જ્યારે તેનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે એવો દાવો કર્યો કે આ કાર તેણે કોઈ બીજાને ચલાવવા આપી હતી. એવી પણ માહિતી છે કે અકસ્માત વખતે થારમાં ચાર લોકો હાજર હતા. આ મામલે મૃતકના પરિજનોએ દોષિતને પકડી કડકમાં કડક સજા કરવાની માગ કરી હતી.