ધર્મ, જાતિ અથવા ભાષાના આધારે કોઈ ભેદભાવ હશે તો સીએએ નહીં સ્વિકારીએઃ મમતા

Spread the love

જો સીએએ અને એનઆરસી દ્વારા કોઈની નાગરિકતા છીનવાઈ જશે તો અમે ચૂપ નહીં બેસીએ, આનો સખત વિરોધ કરવાની પ.બંગાળનાં મુખ્યમંત્રીની ચેતવણી

નવી દિલ્હી

કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએએ લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે, નાગરિકતા સંશોધન કાયદો હવે દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. નાગરિકતા સંશોધન બિલ ડિસેમ્બર 2019 માં સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના શિકાર બનેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. 

જો કે એક એજન્સીના જણાવ્યા અનુસાર, પૂર્વોત્તર રાજ્યોના મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં સીએએ લાગુ કરવામાં આવશે નહીં. તેમાં બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ વિશેષ દરજ્જો આપવામાં આવેલ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. સીએએ તે તમામ પૂર્વોત્તર રાજ્યોમાં લાગુ કરવામાં આવશે નહીં જ્યાં દેશના અન્ય ભાગોમાં રહેતા લોકોને મુસાફરી માટે ‘ઇનર લાઇન પરમિટ’ (આઈએલપી)ની જરૂર હોય છે. ઉત્તર-પૂર્વીય રાજ્યોના કેટલાક વિસ્તારોમાં આદિવાસી જૂથોને રક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે ઇનર લાઇન પરમિટ અને બંધારણની છઠ્ઠી સૂચિ લાગુ કરવામાં આવી હતી.

પરંતુ પશ્ચિમ બંગાળ અને કેરળ સરકારોએ સીએએનો વિરોધ કર્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ‘નિયમો જોયા પછી જ કંઈક કહેવાશે. જો કે, તેમણે કહ્યું કે જો ધર્મ, જાતિ અથવા ભાષાના આધારે કોઈ ભેદભાવ હશે તો અમે તેને સ્વીકારીશું નહીં. જો સીએએ અને એનઆરસી દ્વારા કોઈની નાગરિકતા છીનવાઈ જશે તો અમે ચૂપ નહીં બેસીએ. આનો સખત વિરોધ કરશે. તેમણે એમ પણ કહ્યું કે આ બંગાળ છે, અમે અહીં સીએએ લાગુ નહીં થવા દઈએ.’

તે જ સમયે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે અમારી સરકારે ઘણી વખત જણાવ્યું છે કે અમે અહીં સીએએ લાગુ કરવા દઈશું નહીં, જે મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક માને છે. આ સાંપ્રદાયિક કાયદા સામે આખું કેરળ એકસાથે ઊભું રહેશે. કેરળ પ્રથમ રાજ્ય છે જેણે સીએએ વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો. કેરળ સરકારે ડિસેમ્બર 2019માં જ વિધાનસભામાં એક ઠરાવ પસાર કરીને આ કાયદાને રદ્દ કરવાની માંગ કરી હતી.

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું કેરળ અને બંગાળ જેવા રાજ્યોમાં સીએએ લાગુ નહીં થાય? એ પહેલા જાણીએ કે સીએએ શું છે?, કોને અને કેવી રીતે નાગરિકતા મળશે? 

સીએએ વર્ષ 2016માં સૌ પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર 2019માં ફરી રજૂ કરવામાં આવ્યો અને તે જ વર્ષે લોકસભા અને રાજ્યસભામાં તેને મંજૂરી મળી ગઈ હતી. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના લોકો જેઓ 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયા હતા. ભલે તેમની પાસે ભારત આવવા માટે માન્ય દસ્તાવેજો ન હોય તેવા લોકોને ભારતની નાગરિકતા મળશે. જે માટે લાયક અરજદારોએ ઑનલાઇન અરજી કરવાની રહેશે. આ માટે સરકાર ટૂંક સમયમાં એક વેબ પોર્ટલ શરૂ કરશે.

આ પહેલા બંધારણની કેટલીક મહત્વની જોગવાઈઓ જોઈ લઈએ. ભારતીય બંધારણની સાતમી અનુસૂચિમાં  કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં ક્યાં વિષય આવે એ દર્શાવવા માટે સંઘ, રાજ્ય અને સમવર્તી એમ ત્રણ યાદી છે. 

જેમાં સંઘ યાદી એટકે લે યુનિયન લિસ્ટમાં એવા વિષયોનો સમાવેશ થાય છે જેમાં માત્ર સંસદને જ કાયદો બનાવવાનો અધિકાર છે. તેમાં સંરક્ષણ, વિદેશી બાબતો, વસ્તી ગણતરી, રેલવે અને નાગરિકતા જેવા 100 વિષયો સામેલ છે.

રાજ્યની યાદીમાં કોર્ટ, પોલીસ, આરોગ્ય, જંગલ, રસ્તા, પંચાયતી રાજ જેવા 61 વિષયો છે. આ વિષયો પર કાયદો બનાવવાનો અધિકાર માત્ર રાજ્ય સરકારને છે. એકંદરે, રાજ્ય સરકારોને કેન્દ્રીય સૂચિમાં આવતા વિષયો સંબંધિત નિર્ણયો લેવાનો અધિકાર નથી.

જયારે સમવર્તી સૂચિમાં તે વિષયોનો સમાવેશ થાય છે જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવી શકે છે. જો કેન્દ્ર કોઈપણ વિષય પર કાયદો બનાવે તો રાજ્યએ તેનું પાલન કરવું પડશે. જેમાં શિક્ષણ, વીજળી, વસ્તી નિયંત્રણ, કારખાનાઓ વગેરે જેવા 52 વિષયોને આવરી લેવામાં આવ્યા છે.

જાન્યુઆરી 2020 માં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે સીએએ સંબંધિત કોઈ કેસની સુનાવણી હાઈકોર્ટમાં કરવામાં આવશે નહીં. તેમજ આ સમગ્ર મામલો નાગરિકતા સાથે જોડાયેલો હોવાથી તેને કોઈપણ હાઈકોર્ટમાં પણ પડકારી શકાય નહીં. તેમજ સીએએના સમર્થન અને વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં 200 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અંગે કોર્ટનો નિર્ણય હજુ આવ્યો નથી.

Total Visiters :79 Total: 1480155

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *