11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સુલતાનપુરની આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
રાયસેન
દેશમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે ત્યારે મધ્યપ્રદેશમાં વધુ એક ભીષણ અકસ્માતની ઘટના બની છે જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના સુલતાનપુરના ઘાટ ગામ નજીક જાનૈયાઓ એક અનિયંત્રિત ડમ્પર લોકો પર ફરી વળ્યું હતું જેમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સુલતાનપુરની આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.આ ગંભીર ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અરવિંદ કુમાર દુબે અને એસપી વિકાસ કુમાર સેહવાલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે નર્મદાપુરમ (હોશંગાબાદ)થી આંચલ ખેડાગાંવ ખાતે એક જાન આવી હતી, આ દરમિયાન જાનૈયા નાચી રહ્યા હતા ત્યારે એક પુરપાટ ડમ્પર બેકાબુ થઈને જાનૈયાઓ પર ફરી વળ્યું હતું. નોંધનીય છે કે રાયસેન જિલ્લામાં અગાઉ રવિવારે એક ગેસ ટેન્કર ખાડામાં પડી જતાં આગ લાગી હતી. જેના કારણે ટેન્કરનો ચાલક અને ક્લીનર જીવતા ભૂંજાયા હતા.