આઈપીએલ 2024માં આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે, ટીમની મુશ્કેલી વધશે
નવી દિલ્હી
આઈપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ 24 માર્ચથી તેના અભિયાનની શરૂઆત કરશે. સિઝનની શરૂઆત પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સની પરેશાનીઓ વધવા લાગી છે. ટીમનો સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ પ્રથમ બે મેચમાંથી બહાર થઇ શકે છે. જેના કારણે ટીમની બેટિંગ નબળી દેખાઈ શકે છે. આઈપીએલ 2024માં આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની વાપસી સાથે તેને રોહિત શર્માની જગ્યાએ ટીમની કેપ્ટનશિપ પણ મળી ગઈ છે.
મુંબઈ ઈન્ડિયન્સનો વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ હાલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. સૂર્યકુમાર યાદવ સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તેની સર્જરી કરવામાં આવી હતી અને હવે તે પોતાને ફિટ કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. જો કે નેશનલ ક્રિકેટ એકેડમીએ હજુ સુધી તેને સંપૂર્ણપણે ફિટ જાહેર કર્યો નથી. જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ મેચ 24 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામે રમશે.
મળેલા અહેવાલો મુજબ સૂર્યકુમાર યાદવ ગુજરાત ટાઇટન્સ સામેની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ બની શકશે નહીં અને બીજી મેચમાં પણ તેના રમવાની શક્યતા ઓછી છે. એનસીએની સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિકલ ટીમ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની પ્રથમ બે મેચમાં રમવાની પરવાનગી આપશે કે કેમ તે અંગે હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી.
આઈપીએલ 2024 બાદ ટી20 વર્લ્ડકપ 2024 જૂનમાં શરૂ થશે. સૂર્યકુમાર યાદવ ટી20આઈ ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 બેટર છે, તેથી આ વખતે સૂર્યકુમાર ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવશે. ટી20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ ખતરનાક બેટર સાબિત થાય છે. ઈજાગ્રસ્ત થયા પહેલા પણ સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં હતો. સૂર્યકુમારે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી20આઈ સીરિઝમાં ખૂબ જ શાનદાર ઇનિંગ્સ રમી હતી. આવી સ્થિતિમાં, હવે ચાહકોને આશા છે કે સૂર્યા આઈપીએલ 2024માં પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખે અને ટી20 વર્લ્ડકપ 2024 માટે પણ ફિટ રહે.