નાયબ સૈનિ હરિયાણાના નવા મુખ્યમંત્રી બન્યા

ભાજપની નવી સરકાર બની, જોકે તેમ છતાં નવી સરકાર સામે ઘણાં પડકારો યથાવત્

ચંદિગઢ

હરિયાણાના રાજકારણમાં આજે ભારે ઉથલ-પાથલ સર્જાઈ છે. આજે ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેપીપી) વચ્ચે ગઠબંધન તૂટ્યા બાદ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપી દીધું છે. ભાજપે પણ અન્ય પક્ષોના ઉમેદવારોના સાથ મેળવી લીધો છે અને નવી સરકાર બનાવવાની તૈયારી સાથે નવા મુખ્યમંત્રી નાયબ સૈનિ પર મહોર પણ મારી દીધી છે, જેઓએ આજે નવા મુખ્મયંત્રી પદના શપથ લીધા. આમ રાજ્યના રાજકારણમાં આજે ચાર મોટા ઉલટફેર જોવા મળ્યા છે. આજે ભાજપની નવી સરકાર બની જશે, જોકે તેમ છતાં નવી સરકાર સામે ઘણાં પડકારો યથાવત્ છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે કુલ 46 ધારાસભ્યોની જરૂર હોય છે. ભાજપે આ જાદુઈ આંકડો હાંસલ પણ કરી લીધો છે. જોકે તેમ છતાં રાજ્યનું બેઠક ગણિત ભાજપ સરકારને ફરી મુશ્કેલીમાં નાખી શકે છે.

મળતા અહેવાલો મુજબ લોકસભા ચૂંટણીમાં બેઠક વહેંચણી મુદ્દે ભાજપ અને જેપીપી વચ્ચે વિવાદ થતા બંનેનું ગઠબંધન તૂટી ગયું છે. હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે એકથી બે બેઠકો માંગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ હાઈકમાન્ડે તેમને કહ્યું કે તેમને ગઠબંધનના ભાવિ વિચાર વિશે જાણ કરવામાં આવશે. 

હરિયાણામાં કુલ 90 વિધાનસભા સીટો છે. આ 90 બેઠકોમાંથી 41 ભાજપ પાસે છે. કોંગ્રેસ પાસે 30 બેઠકો, ઈન્ડિયન નેશનલ લોકદળ પાસે 10, હરિયાણા લોકહિત પાર્ટી પાસે એક અને અપક્ષની છ બેઠકો છે. હરિયાણામાં બહુમત માટે 46 ધારાસભ્યોની જરૂર છે. હરિયાણામાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જેજેપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. તે વખતે ચૂંટણીમાં ભાજપને 41 જ્યારે જેજેપીને 10 બેઠકો મળી હતી.

રાજ્યમાં સરકાર બનાવવા 46 ધારાસભ્યોની જરૂર હોય છે, જેમાં 41 બેઠકો ધરાવતા ભાજપને એલએચપીના એક ધારાસભ્યનું અને સાત અપક્ષ ધારાસભ્યનું સમર્થન મળેલું છે. આવી સ્થિતિમાં ભાજપનું કુલ સંખ્યાબળ 48 પર પહોંચી ગયું છે. ગઠબંધન તૂટ્યા બાદ જેપીપી ભાજપની સરકારને કોઈપણ નુકસાન નહીં પહોંચાડી શકે. જોકે ભાજપ બહુમતીના બોર્ડર પર છે અને જો ત્રણ અપક્ષ ધારાસભ્યો છટક્યા તો ભાજપની સરકાર ફરી ખતરામાં પડી શકે છે.

Total Visiters :211 Total: 1488243

By Admin

Leave a Reply