વર્લ્ડ ટેસ્ટ બોલર રેન્કિંગમાં અશ્વિને બુમરાહનું નંબર-1 સ્થાન છીનવ્યું

બેટર રેન્કિંગમાં રોહિત શર્મા છઠ્ઠા નંબર પર પહોંચી ગયો, યશસ્વી જયસ્વાલે સ્ટાર ભારતીય બેટર વિરાટ કોહલીને પાછળ છોડી દીધો

દુબઈ

આઈસીસી દ્વારા જાહેર કરાયેલ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓએ ધૂમ મચાવી છે. ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન આઈસીસી રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગયો છે. તેણે જસપ્રીત બુમરાહ પાસેથી નંબર-1નું સ્થાન છીનવી લીધું છે. આ સાથે જ ભારતીય બેટરોએ પણ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. રોહિત શર્મા હવે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. જયારે યશસ્વી જયસ્વાલે સ્ટાર ભારતીય બેટર વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.

આઈસીસી દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના ત્રણ બેટરો સામેલ છે. રોહિત શર્મા હવે 5 સ્થાનની છલાંગ લગાવીને નંબર-6 ટેસ્ટ બેટર બની ગયો છે. યશસ્વી જયસ્વાલ હવે 2 સ્થાન આગળ વધીને 8માં નંબરે પહોંચી ગયો છે. આ સાથે જ ઈંગ્લેન્ડ સામેની આખી ટેસ્ટ સીરિઝમાંથી ગેરહાજર રહેલો વિરાટ કોહલી ટેસ્ટ રેન્કિંગમાં 9માં નંબર પર છે. કોહલીને એક સ્થાનનું નુકસાન થયું છે.

હાલમાં જો ભારતની આઈસીસી રેન્કિંગ પર નજર કરીએ તો તે નંબર-1 ટેસ્ટ, વન-ડે અને ટી20 ટીમ છે. રવિચંદ્રન અશ્વિન પણ નંબર-1 ટેસ્ટ બોલર બની ગયો છે, જયારે જસપ્રીત બુમરાહ નંબર-3 ટેસ્ટ બોલર છે. આ સિવાય સૂર્યકુમાર યાદવ નંબર-1 ટી20 બેટર છે, જયારે યશસ્વી જયસ્વાલ આ જ ફોર્મેટમાં છઠ્ઠા નંબર પર છે. આ સિવાય રવિન્દ્ર જાડેજા નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે. ટેસ્ટ રેન્કિંગમાં બીજા નંબરે ટેસ્ટ ઓલરાઉન્ડરમાં અશ્વિનનું નામ છે.

Total Visiters :114 Total: 1488350

By Admin

Leave a Reply