25થી વધારે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ધોરણે 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
બોટાદ
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાઈવે પર અકસ્માતની ઘટના વધુ બની રહી છે. ત્યારે અકસ્માતનો સિલસિલો યથાવત રહેતા વધુ એક ઘટના બોટાદના કુંભારા ગામ નજીક બની હતી, જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે 25થી વધારે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ધોરણે 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાજ્યમાં ક્યારેક હિટ એન્ડ રન તો ક્યારેક બે ફામ ડ્રાઈવિંગના કારણે અકસ્માતની ઘટના બનતી હોય છે જેમાં ઘણા લોકોના જીવ ગયા છે. ત્યારે ગુરુવારે મોડી રાતે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના બની હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના કુંભારા ગામ નજીક પીકઅપ વાનના ડ્રાઈવરે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પીકવાન પલટી ખાઈ ગઈ હતી, જેમાં પિતા-પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માતમાં 25 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે હાઈવે પરથી પસાર થતાં વાહચાલકો સહિતનાએ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી વધુ વિગતો મુજબ પીકઅપ વાન વિંછીયાથી ધંધુકા તરફ જઈ રહી હતી અને રાત્રિના સમયે બોટાદ જિલ્લાના કુંભારા ગમ પાસે ખોડિયાર મંદિરના બોર્ડ નજીક જ અકસ્માતની ઘટના બની હતી. પીકવાનામાં મોટાભાગના શ્રમિકો સવાર હતા.