મારા પિતાનું આરોગ્ય મારા માટે વધુ મહત્ત્વનું છે, પિતાના આરોગ્યનો સવાલ હતો એટલે જ ચૂંટણી લડતો નથીઃ કોંગ્રેસના નેતા
અમદાવાદ
લોકસભા ચૂંટણીની તારીખ જાહેરાત થઈ ચૂકી છે. તમામ પક્ષોએ પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન અમદાવાદ પૂર્વ બેઠકમાંથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ મોડી રાત્રે અચાનક જ ઉમેદવારી પરત ખેંચી લેતા રાજકીય ખડભડાટ મચી ગયો છે. કોગ્રેસ નેતા રોહન ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસના કેટલાક નેતા ગદ્દારીના સંદેશ મોકલે છે. પક્ષના જ કેટલાક નેતાઓ હેરાન કર્યા છતા પક્ષ સાથે છું. મને હેરાન કરવા શીખામણ આપવાની કોઈ જરૂર નથી. હિંમતસિંહ પટેલે મારા પર વિશ્વાસ મુક્યો છે.’
ચૂંટણી ન લડનાવનું કારણ જણાવતા રોહન ગુપ્તાએ કે, ‘હું ચૂંટણી લડવા માંગતો હતો, પણ મને હેરાન કરવામાં આવ્યો છે. મેં ચૂંટણી લડવાની ઈમાનદારીથી તૈયારી કરી હતી. મુશ્કેલ બેઠક પર ચૂંટણી લડવાની ટિકિટ સ્વીકારી હતી. મારા પિતા હું ચૂંટણી લડુ તેવું નહોતા ઈચ્છતા. મારા પિતાને કોંગ્રેસના કેટલાક લોકો ઉશ્કેરતા હતા. ચૂંટણી લડવા મુદ્દે મેં મારા પિતાને સમજાવ્યા હતા. મારા પિતાનું આરોગ્ય મારા માટે વધુ મહત્ત્વનું છે. પિતાના આરોગ્યનો સવાલ હતો એટલે જ ચૂંટણી લડતો નથી.’
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પૂર્વ બેઠકમાંથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ મોડી રાત્રે અચાનક જ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. તેમણે પ્રદેશ પ્રમુખને સંબોધીને પત્રમાં લખ્યું છે કે, ‘મારા પિતાની અત્યંત કથળેલી સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેંચું છું. વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ છું. પાર્ટી દ્વારા જે પણ ઉમેદવારને પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ-સહકાર રહેશે.’