કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેની વચ્ચે વાતચીત સકારાત્મક રહી અને આગામી અમુક દિવસોમાં તસવીર સ્પષ્ટ થઈ જવાની આશા
મુંબઈ
છેલ્લા અમુક દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં સત્તાવાર એનડીએ ગઠબંધન મહાયુતિમાં મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (એમએનએસ) પ્રમુખ રાજ ઠાકરેને પણ સામેલ કરવાની ચર્ચા જોરોથી ચાલી રહી છે. આ દરમિયાન રાજ ઠાકરેએ મંગળવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત પણ કરી છે. માનવામાં આવી રહ્યુ હતુ કે લોકસભા ચૂંટણીમાં રાજ ઠાકરે પણ એનડીએના બેનર હેઠળ ચૂંટણી લડશે પરંતુ હવે કહેવાઈ રહ્યુ છે કે ભાજપ રાજ ઠાકરેને લોકસભા ચૂંટણીમાં એક પણ સીટ આપવાની નથી.
રાજ ઠાકરેએ વર્ષ 2006માં અવિભાજિત શિવસેનાથી અલગ થઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામની પાર્ટીની સ્થાપના કરી હતી. આ પહેલા ચર્ચા હતી કે જો ભાજપ અને એમએનએસ ની વચ્ચે ગઠબંધન પર મોહર લાગી જાય છે તો એમએનએસ ને મુંબઈથી ચૂંટણી લડવા માટે એક સીટ આપવામાં આવી શકાય છે. આ દરમિયાન એમએનએસના નેતા બાલા નંદગાંવકરે કહ્યુ કે પાર્ટી રાજ ઠાકરેના આદેશ પર લોકસભા ચૂંટણી લડશે.
મહારાષ્ટ્ર નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યુ કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેની વચ્ચે વાતચીત સકારાત્મક રહી અને આગામી અમુક દિવસોમાં તસવીર સ્પષ્ટ થઈ જશે. ફડણવીસે શાહ અને રાજ ઠાકરેની વચ્ચે થયેલી આ મુલાકાતને લઈને પૂછેલા પ્રશ્નોના જવાબમાં કહ્યુ, રાજ ઠાકરેએ દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી. તેની પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવી ઉતાવળ હશે. આગામી અમુક દિવસોમાં તસવીર સ્પષ્ટ થઈ જશે અને અમે તમને વિસ્તારપૂર્વક જાણકારી આપીશુ.
બારામતી (પૂણે જિલ્લા) અને માધા (સોલાપુર જિલ્લા) જેવી મુખ્ય લોકસભા બેઠક માટે શાસક મહાયુતિની બેઠક વહેંચણીના ફોર્મ્યૂલા પર ફડણવીસે કહ્યુ, બારામતી હોય કે માધા, સૌનું લક્ષ્ય બેઠક જીતવાનું અને નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાનું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની પત્ની સુનેત્રા પવારનું નામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) સાથે સંબંધિત સુપ્રિયા સૂળે સામે નક્કી થવાની આશા છે. જોકે, ભાજપના સહયોગી દળોના અમુક સ્થાનિક નેતાઓએ સુનેત્રા પવારની ઉમેદવારી પર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.