ચેન્નાઈ સુપર કિંગ્સનો મુસ્તફિઝુર રહેમાન વિઝા સંબંધિત સમસ્યાને કારણે બાંગ્લાદેશ પરત ફર્યો
ચેન્નાઈ
આઈપીએલ 2024માં તેની ચોથી મેચ પહેલા એમ.એસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સને આંચકો લાગ્યો છે. આઈપીએલ 2024 પર્પલ કેપ હોલ્ડર અને સીએસકે ટીમનો મુખ્ય બોલર મુસ્તફિઝુર રહેમાન આગામી મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. આટલું જ નહીં તે આઈપીએલ 2024ની બાકીની આખી સિઝનમાંથી બહાર પણ થઈ શકે છે. તે કોઈ સમસ્યાને કારણે બાંગ્લાદેશ પરત ફર્યો છે અને તે ક્યારે ભારત પરત ફરશે તે અંગે કોઈ અહેવાલ સામે આવ્યા નથી.
મુસ્તફિઝુર રહેમાન બાંગ્લાદેશ પરત ફરી ગયો છે અને તેથી એવી સંભાવના છે કે તે પાંચમી એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાનાર આગામી મેચ માટે ઉપલબ્ધ નહીં હોય. મળેલા અહેવાલ મુજબ મુસ્તફિઝુર રહેમાન વિઝા સંબંધિત સમસ્યાને કારણે બાંગ્લાદેશ પરત ફર્યો છે. તેને યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારા ટી20 વર્લ્ડકપ 2024 માટે વિઝાની જરૂર છે. આ સમસ્યાના ઉકેલ માટે તે બાંગ્લાદેશ પરત ફર્યો છે.
મુસ્તફિઝુર તેના યુએસ વિઝા માટે બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂર્ણ કરવા બાંગ્લાદેશ ગયો છે. બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પણ, તે ભારત આવી શકશે નહીં, કારણ કે તેને પાસપોર્ટ પરત કરતા પહેલા રાહ વેઈટિંગ પીરિયડમાંથી પસાર થવું પડશે. આ દરમિયાન તે પોતાના દેશમાં જ રહેશે. જો આમ થશે તો તે ચેન્નઈ માટે એક કરતા વધુ મેચ ગુમાવશે.
અહેવાલમાં આગળ જણાવવામાં આવ્યું છે કે બાયોમેટ્રિક્સ માટે મુસ્તફિઝુરની એપોઇન્ટમેન્ટ 4 એપ્રિલે નક્કી કરવામાં આવી છે. ચેન્નઈ સુપર કિંગ્સની આગામી મેચ 5 એપ્રિલે હૈદરાબાદમાં છે તેથી તે આ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. સીએસકેની આગામી મેચ 8 એપ્રિલે તેના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ રાઈડર્સ સામે છે. જો અમેરિકન વિઝા પ્રક્રિયામાં વધુ વિલંબ થશે તો મુસ્તફિઝુર આ મેચ પણ ચૂકી શકે છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. જો કે આઈપીએલ 2024માંથી તેના બહાર થવાની પણ ચર્ચા છે કારણ કે તે 30 એપ્રિલ સુધી આઈપીએલ 2024માં રમી શકે છે. આ પછી તેણે ઝિમ્બાબ્વે સામે ઘરઆંગણે 5 મેચોની ટી20I સીરિઝમાં ભાગ લેવો પડશે, જે મે મહિનામાં રમાશે. આવી સ્થિતિમાં કદાચ તે આઈપીએલમાંથી બહાર થઇ શકે છે.