ભારતના લોકો સુનિશ્ચિત કરશે કે, ચૂંટણી સ્વતંત્ર-નિષ્પક્ષ યોજાય, તેથી તેઓ અમારી ચૂંટણી અંગે ચિંતા ન કરે
નવી દિલ્હી
સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના વરિષ્ઠ અધિકારીએ ભારતની ચૂંટણી પર ટિપ્પણી કરતા વિદેશમંત્રી એસ.જયશંકરે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘વિશ્વભરના કોઈપણ સંગઠનોએ અમને કહેવાની જરૂર નથી કે, ભારતમાં ચૂંટણી કેવી રીતે સ્વતંત્ર અને નિષ્પક્ષ થવી જોઈએ.’
થોડા દિવસ પહેલા જ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ સ્ટીફન દુજારિકે ભારતની ચૂંટણી પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘અમને અપેક્ષા છે કે, ભારતમાં યોજાનારી ચૂંટણીમાં અન્ય દેશોની જેમ રાજકીય અને નાગરિક અધિકારોનું રક્ષણ કરવામાં આવશે જેથી દરેક વ્યક્તિ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકશે.’
લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર રાજીવ ચંદ્રશેખરના પ્રચાર માટે તિરુવનંતપુરમ પહોંચેલા એસ.જયશંકરે કહ્યું કે, ‘ગત સપ્તાહે સંયુક્ત રાષ્ટ્રના અધિકારીએ એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ચૂંટણી પર ટિપ્પણી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રએ અમને કહેવાની જરૂર નથી કે, અમારી ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ થવી જોઈએ. મારી સાથે ભારતના લોકો છે. ભારતના લોકો સુનિશ્ચિત કરશે કે, ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ યોજાય, તેથી તેઓ અમારી ચૂંટણી અંગે ચિંતા ન કરે.’