Spread the love

15 દિવસથી લઈને 90 દિવસ સુધી વિદેશી ટૂર કરવી હોય તો આ છૂટછાટ ઉપયોગી બની શકે છે

નવી દિલ્હી

ભારતીય પ્રવાસીઓની ફોરેન ટ્રાવેલની ભૂખ ઉઘડી ગઈ છે. તેથી વધુને વધુ બિઝનેસ મેળવવા માટે મલેશિયા, થાઈલેન્ડ સહિત કેટલાક દેશો ભારતીય ટુરિસ્ટને અમુક સમય માટે વિઝા ફ્રી ટ્રાવેલની ઓફર કરે છે. 15 દિવસથી લઈને 90 દિવસ સુધી વિદેશી ટૂર કરવી હોય તો આ છૂટછાટ ઉપયોગી બની શકે છે.

ભારતીયોને હવે વિદેશ પ્રવાસનો ચસ્કો લાગી ગયો છે જેનો ફાયદો લેવા માટે ઘણા દેશો ભારતીયોને વિઝા વગર એન્ટ્રી આપવાની ઓફર કરે છે. વિઝા ફ્રી એન્ટ્રીની સગવડ હોય તો ભારતીય ટુરિસ્ટોની સંખ્યા આપોઆપ વધી જાય છે. તાજેતરમાં એક પછી એક 6 દેશોએ ભારતીયો માટે ખાસ સ્કીમની જાહેરાત કરી છે. તેથી આ દેશોની મુલાકાત લેવા માટે તમારે પહેલેથી વિઝાની માથાકૂટમાં પડવાની જરૂર નથી.
નવા 6 દેશમાં ભારતીયને વિઝા ફ્રી જવા મળશે તે નીચે મુજબ છેઃ
1) મલેશિયા આ લિસ્ટમાં પહેલા નંબર પર છે. મલેશિયા પહેલીથી ટુરિસ્ટ ફ્રેન્ડલી દેશ છે જેની મુલાકાત લેવા માટે ભારતીયોને અગાઉ વિઝાની જરૂર પડતી હતી. પરંતુ હવે તેઓ ડાયરેક્ટ મલેશિયા જઈ શકે છે. 1 ડિસેમ્બર 2023થી ભારતીયોને આ લાભ મળી રહ્યો છે અને હજુ પણ ચાલુ છે. તેથી મલેશિયામાં 30 દિવસ સુધીના ટ્રાવેલ માટે પહેલેથી વિઝાની જરૂર નથી. જોકે, એરપોર્ટ પર પ્રાથમિક સ્ક્રિનિંગ કરવામાં આવશે. કોઈ વ્યક્તિનો રેકોર્ડ ખરાબ હશે અથવા ત્રાસવાદની ઘટનાઓ સાથે સંકળાયેલ હશે તો તેને એન્ટ્રી નહીં મળે.

2) આફ્રિકાના દેશ કેન્યામાં પણ ભારતીયો વગર વિઝાએ જઈ શકે છે. 1 જાન્યુઆરીથી કેન્યાએ આ ઓફર કરી છે. કેન્યાએ આમ તો તમામ ગ્લોબલ વિઝિટર્સ માટે વિઝા ફ્રી એન્ટ્રી જાહેર કરી છે. તેનાથી કેન્યાના ટુરિઝમને ભારે પ્રોત્સાહન મળે તેવી શક્યતા છે કારણ કે આ દેશ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહીંના જંગલોમાં એવા પ્રાણીઓ જોવા મળશે જે તમને બીજે ક્યાંય નહીં દેખાય.

3) થાઈલેન્ડે પણ ગયા વર્ષથી જ ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી દીધી છે. આ ઓફર 10 નવેમ્બર 2023થી શરૂ થઈ છે અને 10 મે 2024 સુધી ચાલુ રહેશે. આ ઓફર માત્ર ટુરિસ્ટ માટે છે અને 30 દિવના સ્ટે માટે લિમિટેડ છે.

4) વિયેતનામમાં પણ ભારતીયો વિઝા વગર જઈ શકે છે. ભારતીયો ઉપરાંત ચીનના લોકોને પણ વિયેતનામે આ સુવિધા આપી છે. હાલમાં ચોક્કસ યુરોપિયન દેશોના લોકો જ વિયેતનામમાં વિઝા વગર જઈ શકતા હતા. અન્ય લોકોએ 90 દિવસની વેલિડિટી સાથે ઈ વિઝા લેવાના હોય છે.

5) શ્રીલંકા એ ભારતનો પડોશી દેશ છે અને કુદરતી સૌંદર્યથી છલકાય છે. શ્રીલંકાએ એક પાઈલટ પ્રોજેક્ટ તરીકે ભારતીયોને વિઝા વગર એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે અને આ ઓફર 31 માર્ચ 2024 સુધી મર્યાદિત છે.

6) ઈરાન પણ ભારત સાથે સારી મિત્રતા ધરાવે છે અને ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે. 4 ફેબ્રુઆરીથી ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સ ઇરાનમાં વિઝા વગર જઈ શકશે. તેમાં શરત માત્ર એટલી છે કે ઈરાનમાં વધુમાં વધુ 15 દિવસના રોકાણની મંજૂરી છે. ત્યાર પછી આ વિઝા એક્સ્ટેન્ડ કરવામાં નહીં આવે.

આ ઉપરાંત ભારતીયો ઈન્ડોનેશિયા અને મોરેશિયસ પણ વિઝા વગર જઈ શકે છે. આ બંને દેશ ભારતીય ટુરિસ્ટને આવકારે છે અને વિઝા ફ્રી એન્ટ્રીની ઓફર કરે છે. મોરેશિયસમાં વધુમાં વધુ 90 દિવસના રોકાણ માટે આ ઓફર ઉપલબ્ધ છે.

અહીં એ યાદ રાખવું જરૂરી છે કે વિઝાના નિયમો ઘણી વખત અગાઉથી જાણકારી આપ્યા વગર બદલી નાખવામાં આવે છે. તેથી ટ્રાવેલ કરતા અગાઉ સત્તાવાર માહિતી મેળવી લેવાની સલાહ અપાય છે. આ ઉપરાંત કેટલાક દેશોમાં તમારા પાસપોર્ટની વેલિડિટી પણ થોડી વધારે હોય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

Total Visiters :7 Total: 355332

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *