જાડેજાએ સિક્સ-બાઉન્ડ્રી જે બેટથી ફટકાર્યા તે અજય મંડલ ભેટ કર્યું

Spread the love

અજય મંડલ છત્તીસગઢનો ક્રિકેટર છે, ચેન્નઈએ 20 લાખમાં ખરીદી ટીમમાં સામેલ કર્યો હતો, અજયને આ સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નથી

નવી દિલ્હી
આઈપીએલ 2023ની ફાઈનલ મેચમાં રવિન્દ્ર જાડેજાએ છેલ્લા 2 બોલમાં 10 રન ફટકારીને ચેન્નઈ સુપર કિંગ્સને જીત અપાવી હતી. ચેન્નઈને છેલ્લી ઓવરમાં 13 રન બનાવવાના હતા. આ સ્થિતિમાં પ્રથમ 4 બોલમાં માત્ર 3 રન જ બન્યા હતા. ત્યારબાદ જાડેજાએ 2 બોલમાં 10 રન ફટકારીને ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. જાડેજાએ જે બેટ વડે છેલ્લી ઓવરમાં છગ્ગો અને ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી તે બેટ જાડેજાએ અજાણ્યા ક્રિકેટરને ભેટમાં આપ્યું છે. તે અજાણ્યા ક્રિકેટરે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો છે.
આ અજાણ્યા ક્રિકેટરનું નામ અજય મંડલ છે, જે છત્તીસગઢનો ક્રિકેટર છે. અજય મંડલ આ સિઝનમાં ચેન્નઈની ટીમ સાથે હાજર હતો. અજય મંડલે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું, ‘આશા છે તમને યાદ હશે કે સર રવિન્દ્ર જાડેજાએ ફાઇનલમાં આ બેટથી 2 બોલમાં 10 રન બનાવ્યા હતા. તેણે મને મેચ પછી આ બેટ ભેંટ તરીકે આપ્યું હતું. મને જડ્ડુ ભાઈ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાની તક આપવા બદલ હું ચેન્નઈ સુપર કિંગ્સનો આભાર માનું છું.’ જાડેજાની આ દરિયાદિલીને ચાહકો સલામ કરી રહ્યા છે.
અજય મંડલને ચેન્નઈએ 20 લાખમાં ખરીદી ટીમમાં સામેલ કર્યો હતો. અજય છત્તીસગઢ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. જો કે અજયને આ સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નથી, પરંતુ તેને ધોની અને જાડેજા જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથે સમય પસાર કરવાની ઘણી તક મળી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અજયે 29 મેચ રમી છે અને 1320 રન બનાવ્યા છે. તેણે તેના T20 કરિયરમાં અત્યાર સુધી 34 મેચમાં 246 રન બનાવ્યા છે. આ સાથે જ તે ફર્સ્ટ ક્લાસમાં 103 અને T20માં 28 વિકેટ લેવામાં પણ સફળ રહ્યો છે.

Total Visiters :183 Total: 1378587

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *