હાથીઓ, માછલીઓ અને સૂર્યના ચિત્રો સાથે વિખરાયેલા પાનાઓ પર કોઈએ પ્રેમ વ્યક્ત કર્યો હતો, કોઈ પ્રવાસીએ રજાઓ દરમિયાન તેના પ્રેમીને પત્ર લખ્યો હશે
બાલાસોર
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેનના ડબ્બા પાટા પર વેરવિખેર થઈ ગયા હતા. કોરોમંડલ એક્સપ્રેસના છૂટાછવાયા કોચ અને તબાહી વચ્ચે કેટલાક પાનાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પાટા પર તબાહી વચ્ચે લોકોએ જમીન પર કેટલાંક કાગળ પડેલા જોવા મળ્યા હતા. જ્યારે આ કાગળ વાંચવામાં આવ્યા ત્યારે બંગાળી ભાષામાં પ્રેમ કવિતાઓ લખેલી મળી હતી. હાથીઓ, માછલીઓ અને સૂર્યના ચિત્રો સાથે વિખરાયેલા પાનાઓ પર કોઈએ પ્રેમ વ્યક્ત કર્યો હતો. કદાચ કોઈ પ્રવાસીએ રજાઓ દરમિયાન તેના પ્રેમીને પત્ર લખ્યો હશે. જેના વિશે હાલ કોઈ માહિતી મળી નથી.
એક કવિએ ડાયરીના પાના પર વરસતા વરસાદમાં પ્રિયતમાને યાદ કરીને લખ્યું હતું. એ કવિતામાં લખ્યું હતું કે પ્રેમ હળવા વરસાદમાં જ ખીલે છે. બંગાળી ભાષામાં લખેલી પંક્તિઓ કંઈક આવી છે-અલ્પો અલ્પો મેઘ થીકે હલકા બ્રિસ્ટી હોય, છોટો છોટો ગોલ્પો થીકે ભાલોબાસા સૃષ્ટિ હોય. કવિતાના પાના સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સાથે અધૂરી રહી ગયેલી એક કવિતા પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. બાંગ્લા ભાષામાં લખાયેલી કવિતાનો અર્થ છે- હું તમને હંમેશ પ્રેમ કરવા માંગુ છું, તમે મારા હૃદયની નજીક છો.
રેસ્ક્યુ ઓપરેશન ટીમ અને સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કવિતાના આ પાનાઓને સાચવીને રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈએ આ કવિતા કે તેના લેખક સાથે કોઈ સંબંધ હોવાનો દાવો કર્યો નથી. આ કવિતાઓ લખનાર વ્યક્તિ વિશે કોઈ માહિતી મળી નથી.