રેલ અકસ્માતમાં વાલી ગુમાવનારા બાળકો માટે સહેવાગની મફત શિક્ષણની ઓફર

Spread the love

અગાઉ પણ સેહવાગે વર્ષ 2019માં પુલવામા હુમલા બાદ તેણે શહીદ થયેલા જવાનોના બાળકોને આ ઓફર કરી હતી


નવી દિલ્હી
ઓડિશામાં શુક્રવારે સાંજે થયેલા ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધા છે. ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટી રેલ દુર્ઘટના છે. આ અકસ્માતમાં 280થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને હજારો લોકો ઘાયલ થયા હતા. આવી સ્થિતિમાં આ દુર્ઘટનાના પીડિતોની મદદ માટે દરેક વ્યક્તિ પોતાના તરફથી હાથ લંબાવી રહ્યા છે. પૂર્વ ભારતીય ઓપનરે પણ આ પીડિતોને મદદ કરવાનો નિર્ણય લીધો છે. સેહવાગે જાહેરાત કરી છે કે જે બાળકોએ અકસ્માતમાં પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે તેમના શિક્ષણનો ખર્ચ તે ઉઠાવશે. ભારતીય પૂર્વ ખેલાડીએ તે બાળકોને સેહવાગ સ્કૂલની બોર્ડિંગ ફેસિલિટીમાં મફત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે.
સેહવાગે ટ્વિટર પર આ માહિતી આપી હતી. ઓડિશા અકસ્માતની ફોટો પોસ્ટ કરતા તેણે લખ્યું, ‘આ ફોટો અમને લાંબા સમય સુધી પરેશાન કરશે. આ દુઃખની ઘડીમાં, હું ઓછામાં ઓછું આટલું તો કરી જ શકું છું કે આ દર્દનાક અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના બાળકોના શિક્ષણનું ધ્યાન રાખું. હું આવા બાળકોને સેહવાગ સ્કૂલની બોર્ડિંગ ફેસિલિટીમાં મફત શિક્ષણની ઓફર આપી રહ્યો છું. તમામ પરિવારો માટે પ્રાર્થના અને બચાવ કામગીરીમાં મોખરે રહેલા તમામ બહાદુર સ્ત્રી-પુરુષો, ડોકટરોની ટીમો અને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી રહેલા સ્વયંસેવકોને અભિવાદન. અમે બધા આમાં સાથે છીએ. આ પહેલીવાર નથી કે જ્યારે સેહવાગે આ ઉમદા પગલું ભર્યું હોય, અગાઉ પણ વર્ષ 2019માં પુલવામા હુમલા બાદ તેણે શહીદ થયેલા જવાનોના બાળકોને આ ઓફર કરી હતી.
સેહવાગ પહેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ગઈકાલે ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનાને ખૂબ જ હેરાન કરનારી ગણાવી હતી અને આ અકસ્માતમાં પોતાના માતા-પિતાને ગુમાવનારા બાળકોને મફત શિક્ષણની ઓફર કરી હતી. ગૌતમ અદાણીએ એક ટ્વીટમાં કહ્યું કે પીડિત અને તેમના પરિવારોને મદદ કરવી અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું એ દરેકની જવાબદારી છે.

Total Visiters :119 Total: 1093742

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *