અમારો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુમ થયેલા લોકોના પરિવારના સભ્યો શક્ય તેટલી વહેલી તકે તેમના પરિવારને મળી શકેઃ રેલવેમંત્રી
બાલાસોર
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવુક થઈ ગયા. રેલ્વે મંત્રી અસરગ્રસ્ત ટ્રેકના પુનઃસ્થાપન અંગે મીડિયાને માહિતી આપી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેઓ ભાવુક થઈ રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળ પર રેલવે ટ્રેકના પુનઃસ્થાપનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે બંને બાજુથી (અપ-ડાઉન) રેલ ટ્રાફિક માટે રસ્તો સાફ કરી દેવામાં આવ્યો છે. એક તરફનું કામ એક દિવસમાં પૂર્ણ થયું હતું, હવે બીજી સાઈટનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. આ પછી તેમણે ટ્રેન દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોનો ઉલ્લેખ કર્યો. રેલ્વે મંત્રીએ કહ્યું કે, ટ્રેક પર રસ્તો સાફ થઈ ગયો છે, પરંતુ અમારી જવાબદારી હજુ પૂરી થઈ નથી.
રેલ્વે મંત્રીએ રડતાં રડતાં કહ્યું, ‘અમારો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુમ થયેલા લોકોના પરિવારના સભ્યો શક્ય તેટલી વહેલી તકે તેમના પરિવારને મળી શકે. તેઓને શક્ય તેટલી વહેલી તકે શોધી શકાય. અમારી જવાબદારી હજુ પૂરી થઈ નથી. બાલાસોરમાં જ્યાં ટ્રેન દુર્ઘટના થઈ હતી, ત્યાં યુદ્ધના ધોરણે કામ 24 કલાક ચાલુ હતું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે સતત હાજર હતા. સેંકડો રેલવે કર્મચારીઓ, રાહત રેસ્ક્યુ ટીમના કર્મચારીઓ, ટેકનિશિયનથી લઈને એન્જિનિયરો દિવસ-રાત કામ કરતા રહ્યા.
અકસ્માત બાદ ઘટનાસ્થળે પરિસ્થિતિ ઝડપથી બદલાતી રહી. પાટા પર વિખરાયેલી બોગીઓને શનિવારે રાત્રે જ કિનારે હટાવી દેવામાં આવી હતી. અકસ્માત બાદ એક્સપ્રેસ ટ્રેન અને ગુડ્સ ટ્રેનના બાકીના ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા હતા. આ પછી રવિવારે આખો દિવસ ટ્રેકના રિસ્ટોરેશનનું કામ ચાલુ રહ્યું હતું. તેના પરિણામે, અકસ્માતના 51 કલાક પછી જ આ ટ્રેક પર પ્રથમ ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. જેને ટ્રેક યોગ્ય રીતે ફીટ કરવામાં આવ્યો છે કે કેમ તે જોવા માટે દોડાવવામાં આવી હતી અને ત્યાર બાદ રવિવારે મોડી રાત્રે અપ અને ડાઉન બંને લાઇનના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. હવે આ લાઇન અને અસરગ્રસ્ત ટ્રેક પરની ટ્રેનો ફરી એકવાર આગળ વધવા માટે તૈયાર છે.