આ લગ્ન સમારોહમાં રાજકીય હસ્તીઓ જોવા ન મળી
બેંગલુરૂ
બેંગલુરુમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના ગઈકાલે તેમના ઘરે જ લગ્ન થયા હતા જેની તસવીર સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરકલા વાંગમયીના લગ્ન સાદાઈથી કરવામાં આવ્યા હતા જેમા ફક્ત પરિવારના સભ્યો અને મિત્રો જ સામેલ થયા હતા.
આ લગ્ન સમારોહમાં રાજકીય હસ્તીઓ જોવા મળી ન હતી. પરકલા વાંગમયીના પતિનું નામ પ્રતિક છે. નાણામંત્રીની પુત્રીના લગ્ન બ્રાહ્મણ પરંપરા મુજબ અને ઉડુપી અદમારુ મઠના સંતોના આશીર્વાદ સાથે થયા હતા. આ લગ્નના વીડિયો ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમા વૈદિક મંત્રોચ્ચાર સંભળાય છે તેમજ નાણામંત્રી નિર્મલા સીતારમણ નજીકમાં હાજર જોવા મળે છે. કેટલાક યુઝર્સ આ સાદાઈથી કરાયેલા લગ્નના વખાણ પણ કરી રહ્યા છે. દીપક કુમાર નામના એક યુઝરે ટ્વીટ કર્યું હતું કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રીના ગઈકાલે બેંગલુરુમાં લગ્ન થયા હતા તે સમાચાર ટીવી કે પ્રિન્ટ મીડિયામાં નહોતા. આ સાદું જીવન અને રાષ્ટ્ર પ્રથમ સિદ્ધાંતો સાથે કામ કરવાનું સૌથી મોટું ઉદાહરણ છે.
પરકલા વાંગમયી વ્યવસાયે મલ્ટીમીડિયા પત્રકાર છે. તેણીએ નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી, બોસ્ટન, મેસેચ્યુસેટ્સમાંથી પત્રકારત્વમાં માસ્ટર ઓફ સાયન્સ કર્યું છે તેમજ તેણીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં બીએમ અને એમએ કર્યું છે. તેણીએ ઘણા બધા મીડિયા સંસ્થાઓ સાથે કામ કર્યું છે.
પ્રતીક દોશી સિંગાપોર મેનેજમેન્ટ સ્કૂલના સ્નાતક છે અને મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)માં સંશોધન સહાયક તરીકે કામ કર્યું હતું. પ્રતીક દોશી ઘણા વર્ષોથી પીએમ મોદી સાથે કામ કરી રહ્યા છે તેમજ તેઓ ગુજરાતનો વતની છે અને પીએમઓમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે કામ કરે છે. તેમને 2019માં જોઈન્ટ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યા હતા. પીએમઓની વેબસાઈટ અનુસાર પ્રતીક પીએમઓની રિસર્ચ અને સ્ટ્રેટેજી વિંગનું ધ્યાન રાખે છે અને ટોચના અમલદારો અને સરકારમાં મહત્વના લોકો પર નજર રાખે છે.