સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે તે ઈમારત જૂની હોવાથી તેને તોડી પાડવામાં આવે
બાલાસોર
ઓડીશાના બાલાસોરમાં ગત શુક્રવારે 2જી જુનના રોજ થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટમાં 288 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઘટના સ્થળે મૃત્યુ પામેલા મુસાફરોના મૃતદેહો બાજુના ગામ બહાનાગા હાઈસ્કૂલની ઈમારતમાં રાખવામાં આવ્યા હતા. હવે ઘટનાને એક સપ્તાહ થવા આવ્યું છે છતાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં પાછા ફરતા ડરી રહ્યા છે.
અકસ્માત બાદ આ 65 વર્ષ જૂની બહાનાગા હાઈસ્કૂલની બિલ્ડિંગમાં કફનમાં લપેટાયેલા મૃતદેહો રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ હવે આ શાળામાં આવવાનું ટાળી રહ્યા છે અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે તે ઈમારત જૂની હોવાથી તેને તોડી પાડવામાં આવે.
એક વિદ્યાર્થીએ કહ્યું કે, અમારી શાળાની બિલ્ડીંગમાં આટલા મૃતદેહો રાખવામાં આવ્યા હતા તે ભૂલી જવું મુશ્કેલ છે.
બહાનાગા હાઈસ્કૂલના મુખ્ય શિક્ષિકાએ કહ્યું કે “વિદ્યાર્થીઓ ભયભીત છે, ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવાની અને કેટલીક ધાર્મિક વિધિઓ કરાવવાની યોજના છે. શાળાના કેટલાક વિદ્યાર્થીઓ અને શાળાની એનસીસી કેડેટ્સ પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા.”
બાલાસોરના જિલ્લા મેજિસ્ટ્રેટે શાળાની મુલાકાત લીધી, તેમણે કહ્યું, “હું મેનેજમેન્ટ સમિતિના સભ્યો, પ્રિન્સીપાલ, અન્ય સ્ટાફ અને સ્થાનિક લોકોને મળ્યો, તેઓ જૂની ઈમારતને તોડીને નવી બિલ્ડીંગ બાંધવાની માંગ કરી રહ્યા છે. બાળકોને વર્ગોમાં હાજરી આપવામાં કોઈ ડર કે આશંકા ન રહે એવા પગલા લેવામાં આવશે.”
મૃતદેહ રખાયા હતા તે ઓડિશાના બહાનાગા ગામની શાળામાં છાત્રો જતા ડરે છે
Total Visiters :136 Total: 1362379