રેલવે તરફથી આદેશ આપવામાં આવ્યો હતો કે ટ્રેનની ટ્રાયલ દરમિયાન કોઈ પણ બહારના વ્યક્તિને તેમાં મુસાફરી કરવાની પરવાનગી નથી
રાંચી
પટના-રાંચી વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનની સોમવારે ટ્રાયલ કરવામાં આવી. આ ટ્રાયલ સફળ રહી પરંતુ દરમિયાન ટ્રાયલ વખતે ભાજપના સાંસદ જયંત સિન્હાની ટ્રેનની મુસાફરી અંગે વિવાદ સર્જાયો. વંદે ભારત ટ્રેન જ્યારે કોડરમા સ્ટેશન પર પહોંચી તો હજારીબાગ સાંસદ જયંત સિન્હા ટ્રેનમાં ચઢી ગયા. ટ્રેનમાં તેમણે બરકાકાના સ્ટેશન સુધી મુસાફરી કરી જ્યારે રેલવે તરફથી આદેશ આપવામાં આવ્યો હતો કે ટ્રેનની ટ્રાયલ દરમિયાન કોઈ પણ બહારના વ્યક્તિને તેમાં મુસાફરી કરવાની પરવાનગી નથી.
રેલવે અનુસાર ધનબાદના ડીઆરએમએ સાંસદને ના પણ પાડી પરંતુ તેમ છતાં તેઓ કોડરમા સ્ટેશન પર ટ્રેનમાં ચઢ્યા. ભાજપ સાંસદ જયંત સિન્હાએ કહ્યુ કે તેઓ રેલવેના અધિકારીઓ સાથે વાત કર્યા બાદ ટ્રેનમાં સવાર થયા હતા. સાંસદ પ્રતિનિધિ જિતેન્દ્ર જૈને પણ કહ્યુ કે સાંસદે ડીઆરએમ અને જીએમ પાસે આ મુસાફરી માટે પરવાનગી લીધી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રાયલ દરમિયાન વંદે ભારત ટ્રેન 110 કિલોમીટરની ઝડપે પટનાથી દોડી અને નક્કી સમય કરતા 27 મિનિટ પહેલા રાંચી પહોંચી ગઈ.
વંદે ભારત ટ્રેન પટના જંક્શનથી સોમવાર સવારે 6.55 વાગે રવાના થઈ અને બપોરે 12.33 વાગે રાંચી પહોંચી ગઈ. પટનાથી રાંચીની આ મુસાફરી ટ્રેને 5 કલાક 38 મિનિટમાં નક્કી કરી. બપોરે જ્યારે ટ્રેન રાંચી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે પર પહોંચી તો ત્યાં હાજર લોકોએ હાથ જોડીને અભિવાદન કર્યુ. આ દરમિયાન લોકોએ ટ્રેન સાથે સેલ્ફી પણ લીધી. જોકે, ટ્રેનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરપીએફએ રાંચી રેલવે સ્ટેશનની સુરક્ષા વધારી દીધી હતી. પ્લેટફોર્મ પર બેરિકેડિંગ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે લોકોને અંદર જવા ન દેવાયા.