બિપરજોય આંશિક નબળું પડ્યું, 15 જૂને ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે

Spread the love

વાવાઝોડાના કારણે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌથી વધુ અસર થઈ શકે છે, મોટાપાયે નુકસાન થવાની આઈએમડીએ સંભાવના વ્યક્ત કરી


અમદાવાદ
ગુજરાત સામે આફત બનીને આવી રહેલાં વાવાઝોડાં ‘બિપરજોય’ અંગે ભારતીય હવામાન વિભાગે (આઈએમડી) આજે મોટી આશંકા વ્યક્ત કરી છે. બિપરજોય વાવાઝોડાથી મોટાપાયે નુકસાન થવાની આઈએમડીએ સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહીં હવામાન વિભાગે વાવાઝોડાની ઝડપી ગતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આઈએમડીએ કહ્યું કે, ચક્રવાતી વાવાઝોડાના કારણે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌથી વધુ અસર થઈ શકે છે. બિપરજોય અંગેના નવા અપડેટમાં હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા દરિયાકાંઠા વિસ્તારોમાં 3થી 6 મીટર ઊંચા મોજા ઉછળવાની આશંકા હોવાથી આવા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાની ભલામણ કરી છે.
આઈએમડીના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે, વાવાઝોડું બિપરજોય હાલ ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં કેન્દ્રીત છે અને તે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, વાવાઝોડુ દ્વારકાથી લગભગ 200 કિલોમીટર દૂર છે અને તેની અસર કચ્છ અને દ્વારકામાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે, વાવાઝોડું આજે મંગળવારે આંશિક નબડુ પડ્યું હતું, પરંતુ 15 જૂનની આસપાસ અત્યંત ખતરનાક ચક્રવાતી તોફાનની સ્થિતિમાં પરિવર્તિત થઈ શકે છે.
તેમણે કહ્યું કે, વાવાઝોડા બિપરજોયની અગાઉની ગતિની તુલના હાલની ગતિ સાથે કરીએ તો, તે થોડું નબડું પડ્યું છે. વાવાઝોડાની આજની ગતિ પ્રતિ કલાકે 150થી 160 કિલોમીટર, 14મી જૂને પ્રતિકલાકે 135થી 145 કિલોમીટરની ગતિએ તેમજ 15 જૂને પ્રતિકલાકે 125થી 135 કિમીની ગતિ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ વાવાઝોડું ગુજરાતના જખૌ બંદર પાસે લેન્ડફોલ થવાની શક્યતા છે. આ વાવાઝોડું 15 જૂને બપોરના સમયે ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે, તે પહેલા પ્રતિકલાક 135-145 કિમીની ગતિથી 150 કિમી ગતિએ ઝડપી પવન ફુકાશે અને ભારે વરસાદ પણ થશે.
હવામાન વિભાગે કહ્યું કે, 14 જૂને રાજકોટ, જૂનાગઢ, જામનગર અને દ્વારકામાં મધ્યમ વરસાદ પડશે, જોકે આ વિસ્તારોમાં પૂર અને અન્ય ખતરાઓ આવી શકે છે. લોકોને દરિયાકાંઠાના વિસ્તારોથી 15 દિવસ સુધી દૂર રહેવાની સલાહ અપાઈ છે. આઈએમડીના જણાવ્યા અનુસાર પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના અણસાર છે. આ જિલ્લાઓમાં પ્રતિકલાક 140 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

Total Visiters :200 Total: 1378777

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *