ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી મોંઘો છેલ્લો બોલ, નો, વાઈડ બોલને લીધે બોલરનો છેલ્લો બોલ ટીમને ખૂબજ મોંઘો પડ્યો
ચેન્નાઈ
તમિલનાડુમાં સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા હાલમાં તમિલનાડુ પ્રીમિયર લીગ આયોજિત કરવામાં આવી રહી છે. આ ટૂર્નામેન્ટમાં કંઇક એવું જોવા મળ્યું જે આજ સુધી ક્યારેય ક્રિકેટ ઈતિહાસમાં જોવા નહી મળ્યું હોય. આ લીગની એક મેચ દરમિયાન ક્રિકેટના ઈતિહાસમાં એક બોલરે છેલ્લા બોલ પર સૌથી વધુ રન લૂંટવાનું કામ કર્યું છે. આ બોલરે મેચની છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર કુલ 18 રન આપ્યા અને પોતાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો.
સૈલમ સ્પાર્ટન્સના કેપ્ટન અભિષેક તંવરે ચેપોક સુપર ગિલીઝ સામે પ્રથમ ત્રણ ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે 3 ઓવરમાં કુલ 18 રન આપ્યા હતા અને એક વિકેટ પણ મેળવી હતી. આ સ્થિતિમાં અભિષેક પોતે છેલ્લી ઓવર કરવા આવ્યો અને તેણે છેલ્લા બોલમાં કુલ 18 રન આપ્યા હતા. ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી મોંઘો છેલ્લો બોલ હતો.
ઈનિંગના છેલ્લા બોલ પર ચેપોક ટીમના ખેલાડી સંજય યાદવને અભિષેક તંવરે ક્લીન બોલ્ડ કર્યો હતો, પરંતુ આ બોલ નો બોલ હતો. આ સ્થિતિમાં તે પછીનો બોલ ફ્રી હિટ હતો, જેના પર તેણે છગ્ગો ફટકાર્યો હતો. જો કે આ બોલ પણ નો બોલ હતો. આ પછી આગળનો બોલ પણ ફ્રી હિટ હતો, જેના પર બે રન આવ્યા, પરંતુ કેપ્ટન અભિષેક ફરીથી ઓવરસ્ટેપ કરી ગયો હતો. અત્યાર સુધી 11 રન આવી ગયા હતા અને બોલ હજુ બાકી હતો. તે પછી જ્યારે અભિષેક તંવરે આગળનો બોલ ફેંક્યો તો તે વાઈડ ગયો. હવે કુલ મળીને રન 12 આવી ગયા હતા, પરંતુ છેલ્લો બોલ હજુ બાકી હતો. અભિષેકે આગલો બોલ ફેંક્યો જે ફ્રી હિટ હતો. આના પર સંજય યાદવે છગ્ગો ફટકાર્યો હતો. આ રીતે છેલ્લા બોલ પર કુલ 18 રન થયા હતા. આ રીતે અભિષેક તંવરનો છેલ્લો બોલ ક્રિકેટનો સૌથી મોંઘો છેલ્લો બોલ હતો.