ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટર અને સિલેક્ટર દેવાંગ ગાંધીએ બે વર્ષ બાદ રોહિત ભારતીય ટેસ્ટ ટીમમાં હશે કે કેમ એ શંકા
નવી દિલ્હી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમને ઘણું સાંભળવું પડી રહ્યું છે. ટીમના કેપ્ટન રોહિત શર્માની કેપ્ટનશીપ પર હવે સવાલ ઉઠી રહ્યા છે. લોકોને આશા હતી કે વિરાટ જે નથી કરી શક્યો, કદાચ રોહિત કરશે, ટીમ ઈન્ડિયાનું આઈસીસી ટ્રોફી જીતવાનું સપનું પૂરું કરશે. પરંતુ છેલ્લા લગભગ 8 મહિનામાં ભારતીય ટીમ આઈસીસીની બે ઈવેન્ટના નોકઆઉટમાં હારી ગઈ અને આ સપનું ફરી ચકનાચૂર થઈ ગયું. આ જ કારણ છે કે રોહિત હવે લોકોના નિશાના પર આવી ગયો છે. પૂર્વ બેટ્સમેન અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સેલેક્ટરે હવે રોહિતને કેપ્ટનશીપથી હટાવવાની અને બીજા અન્ય ખેલાડીને કેપ્ટનશીપ સોંપવાની માંગ કરી છે.
પૂર્વ ઓપનર દેવાંગ ગાંધીએ વર્તમાન પસંદગી સમિતિને સલાહ આપી હતી કે હવે તેઓએ રોહિત શર્મા સાથે ભવિષ્યને લઈને વાત કરવી જોઈએ. એટલું જ નહીં પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેની કેપ્ટનશીપ ચાલુ રાખવા માટે પણ ચર્ચા થવી જોઈએ. બે વર્ષ પછી જયારે ત્રીજા ડબલ્યુટીસીની ફાઈનલ યોજાશે ત્યારે શું રોહિત ટીમનો હિસ્સો હશે, તે તમામ ચર્ચાનો વિષય છે. હવે સેલેક્શન કમિટીએ ટીમ ઈન્ડિયા માટે આગળનો રસ્તો નક્કી કરવાની જરૂર છે.
રોહિત જો કેપ્ટનશીપ માટે તૈયાર નથી તો હવે ટીમે તેનો વિકલ્પ શોધવો જોઈએ. તે વિકલ્પો અજિંક્ય રહાણે અથવા રવિચંદ્રન અશ્વિન હોઈ શકે છે. રહાણેને આંતરરાષ્ટ્રીય સ્તરે કેપ્ટનશીપનો અનુભવ પણ છે અને તેણે ટીમની કેપ્ટનશીપ કરતી વખતે વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી હતી. દેવાંગ ગાંધીએ કહ્યું કે, જો રોહિત તૈયાર નથી અને તે કેપ્ટન માટે યોગ્ય નથી તો આ બંને ભારતીય ટીમ માટે સારા વિકલ્પ હોઈ શકે છે. નહિંતર આ સિવાય કેપ્ટન તરીકે અન્ય કોઈપણ ખેલાડીને તૈયાર કરી શકાય છે જે લાંબા સમય સુધી ટીમ માટે ઉપયોગી થશે.
ગાંધીએ વધુમાં કહ્યું હતું કે આવનારા દિવસોમાં ભારતીય ક્રિકેટ પણ વિભાજિત કેપ્ટનશીપ તરફ જઈ શકે છે. ઈંગ્લેન્ડ જેવી ટીમને પણ આનાથી ઘણો ફાયદો થયો છે. હાર્દિક પંડ્યા ભારતીય ટી20 ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ સાથે જ રોહિત શર્મા ટેસ્ટમાં કેપ્ટનશીપ કરતો જોવા મળી રહ્યો છે. ભવિષ્યમાં અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન જોવાનું નવાઈ નહીં લાગે. રોહિતે માર્ચ 2022માં શ્રીલંકા સામેની હોમ સિરીઝમાં પ્રથમ વખત ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી હતી. તેમની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે 7 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી ચારમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એક મેચ ડ્રો રહી હતી.