રાજ્યના 10 જિલ્લામાં પૂરથી 37,535 લોકો પ્રભાવિત
ગુવાહટી
આસામમાં પૂરની સ્થિતિ વિકટ થઈ ચૂકી છે. રાજ્યના વિવિધ ભાગોમાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બ્રહ્મપુત્રા સહિત અન્ય કેટલીક નદીઓ વિવિધ સ્થળોએ ચેતવણીના સ્તરથી ઉપર વહી રહી હોવાની માહિતી અપાઈ હતી.
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદથી લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એએસડીએમએ)ના અહેવાલ મુજબ, શનિવાર સુધીમાં રાજ્યના 10 જિલ્લામાં પૂરથી 37,535 લોકો પ્રભાવિત થયા હતા.
ગુવાહાટીમાં ભૂસ્ખલનથી એક વ્યક્તિનું મોત થયું હતું. જો કે હજુ સુધી પૂરના પાણીને કારણે કોઈના મોતની કોઈ માહિતી નથી. રાજ્યભરમાંથી પાળામાં નુકસાન અથવા ભંગની જાણ કરવામાં આવી છે. આ સાથે રાજ્યના વિવિધ ભાગોમાં પણ મોટા પાયે ધોવાણ થયું છે.
દરમિયાન, આઈએમડી એ આસામ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ ચેતવણી એવા સમયે જારી કરવામાં આવી છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં અવિરત વરસાદને કારણે આસામ આ વર્ષના પ્રથમ પૂરનો સામનો કરી રહ્યું છે.
એક વિશેષ બુલેટિનમાં, ગુવાહાટીમાં આઈએમડીના પ્રાદેશિક હવામાન કેન્દ્રે આજે કોકરાઝાર, ચિરાંગ, બક્સા, બરપેટા અને બોંગાઈગાંવ જિલ્લામાં ભારે (24 કલાકમાં 7-11 સેમી) થી અતિ ભારે (24 કલાકમાં 11-20 સેમી) વરસાદની આગાહી કરી હતી. અત્યંત ભારે વરસાદ (24 કલાકમાં 20 સેમીથી વધુ)ની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આઈએમડી અનુસાર, ધુબરી, કામરૂપ, કામરૂપ મેટ્રોપોલિટન, નલબારી, દિમા હસાઓ, કચર, ગોલપારા અને કરીમગંજ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.