પોલીસે ધાર્મિક સ્થળની બહાર લગાવેલા જ્યૂસનું લંગર પર ડાકુ હસીના અને તેનો પતિ મેંગો જ્યૂસ લેવા આવ્યા કે તરત જ પોલીસે ઝડપી પાડ્યા
લુધિયાણા
લુધિયાણા જિલ્લામાં 8.49 કરોડની લૂંટની માસ્ટરમાઈન્ડ ડાકુ હસીના ઉર્ફે મનદીપ કૌરને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે તેને ઉત્તરાખંડના હેમકુંડ સાહિબ ખાતેથી ઝડપી પાડી છે. લુધિયાણા પોલીસે ડાકુ હસીનાના કેટલાંક સાગરીતોને પણ ઝડપી પાડ્યા છે, પરંતુ તે ફરાર હતી. પોલીસને ડાકુ હસીનાનું લોકેશન હેમકુંડ સાહિબની આસપાસ મળી હતી. પોલીસે તેને પકડી પાડવા માટે જોરદાર પ્લાન બનાવ્યો હતો. પોલીસે આ ધાર્મિક સ્થળની બહાર એક જ્યૂસનું લંગર લગાવ્યું હતું. આ લંગર પર જેવી જ ડાકુ હસીના અને તેનો પતિ મેંગો જ્યૂસ લેવા માટે આવ્યા કે તરત જ પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આ મામલે જાણકારી આપતા કહ્યું કે, ડાકુ હસીના અને તેના પતિને પકડવા માટે પોલીસે એક ખાસ ઓપરેશન ચલાવ્યું હતું. હેમકુંડ સાહિબમાં ખૂબ જ ભીડ હોય છે. આવી સ્થિતિમાં આરોપીને પકડવો એ પોલીસ માટે પણ મોટો પડકાર હતો. પોલીસે જણાવ્યું કે, ડાકુ હસીના અને તેના પતિ પર અમારી નજર હતી. માણસાઈ ખાતર અમે ડાકુ હસીના અને તેના પતિને દર્શન કરવાની તક આપી હતી.
10 જૂનના રોજ હથિયારધારી લૂંટારાઓએ લુધિયાણાના ન્યૂ રાજગુરુ વિસ્તારમાં સ્થિત સીએમસી સિક્યોરિટીની ઓફિસમાં સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો હતો. એ પછી રુપિયા 8.49 કરોડની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. આ કેસમાં પોલીસે ડાકુ હસીના સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે. લૂંટની માસ્ટરમાઈન્ડ ડાકુ હસીના મૂળ લુધિયાણાના ડેહલોની રહેવાસી છે.
પોલીસે આ મામલે અત્યારસુધીમં 9 આરોપીઓની ધરપકડ કરી છે. બે આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસે જણાવ્યું કે, આ લૂંટની માસ્ટરમાઈન્ડ ડાકુ હસીના પર ખૂબ જ દેવું હતું. સરળતાથી અને શોર્ટ કટથી રુપિયા કમાવવા માટે તેણે આ પ્લાન બનાવ્યો હતો.
ડાકુ હસીનાની માતા લોકોનાં ઘરમાં જઈને ઘરકામ કરે છે. ડેહનો ગામના લોકોએ જણાવ્યું કે, ડાકુ હસીનાની માતા ખૂબ જ મહેનતુ છે. નાના ભાઈ હરપ્રીતને મોનાએ ધનવાન બનવા માટેનું સપનું બતાવ્યું અને લૂંટમાં સામેલ કર્યો હતો. મોનાને એવો વિશ્વાસ હતો કે, તે સરળતાથી લૂંટ કરી શકશે અને કોઈને ખબર પણ નહીં પડે. લૂંટના રુપિયાથી તેના પરિવારને વધારે ભાગ મળશે.
ડાકુ હસીનાના ગામના લોકોનું કહેવું છે કે, મોના ઝડપથી ધનવાન બનવા માગતી હતી અને એના ચક્કરમાં આ કાંડ કરી બેઠી. લોકોનું કહેવું છે કે, પોલીસ જો છેલ્લાં બે ચાર વર્ષનો મોબાઈલ ડેટા તપાસે તો અનેક યુવકોને ફસાવીને હનીટ્રેપનો શિકાર બનાવ્યા હોવાનું પણ ખૂલી શકે છે.